IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થયા બાદ હવે રોહિત શર્મા ફરી કેપ્ટન બનશે તેવી ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન મુંબઈ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પર રોહિતની તસવીર સાથે ‘મુંબઈચા રાજા’ લખેલી પોસ્ટ શેર કરતાં ચાહકોમાં ઉત્સાહ વધી ગયો છે.
એક પોસ્ટથી ફરી શરૂ થઈ કેપ્ટન બનવાની ચર્ચા
મુંબઈ ઇન્ડિયન્સે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર રોહિત શર્માની તસવીર શેર કરી હતી. તસવીરની પાછળ ‘મુંબઈચા રાજા’ લખેલું હતું. પોસ્ટ સાથે ફ્રેન્ચાઇઝીએ લખ્યું હતું કે, ‘સીઝન 17 મુંબઈચા રાજા માટે બ્લૂ એન્ડ ગોલ્ડમાં! પલટન, IPL 2027 માટે તૈયાર છો?’ આ પોસ્ટ સામે આવ્યા બાદ ચાહકોએ રોહિતને ફરી ટીમનો કેપ્ટન બનાવવાની માગ શરૂ કરી દીધી હતી. અનેક લોકોએ કોમેન્ટમાં ‘કેપ્ટન રોહિત શર્મા’ લખ્યું હતું. જોકે, આ પોસ્ટને કેપ્ટનશિપની સત્તાવાર જાહેરાત માનવી યોગ્ય નથી. મુંબઈ ઇન્ડિયન્સે હજુ સુધી નવા કેપ્ટનના નામની સત્તાવાર જાહેરાત કરી નથી.
https://x.com/mipaltan/status/2123304897848463640?a=P4chgXntmyMwhxyIKMk&s=20
હાર્દિકની વિદાય બાદ રોહિતની વાપસીની શક્યતા
હાર્દિક પંડ્યાએ 2024થી 2026 સુધી મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપ સંભાળી હતી. હવે IPL 2027 પહેલાં ટ્રેડ દ્વારા તે ટીમમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને રોહિત શર્મા ફરી જવાબદારી સંભાળે તેવી અટકળો છે. અનેક અહેવાલોમાં મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને ફરી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે ફ્રેન્ચાઇઝીએ રોહિતને જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી અને તેણે પણ આ માટે સંમતિ આપી હતી. જોકે, ફ્રેન્ચાઇઝી તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
રોહિતે મુંબઈને પાંચ વખત ચેમ્પિયન બનાવ્યું
રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સના સૌથી સફળ કેપ્ટન રહ્યા છે. તેમની આગેવાનીમાં ટીમે 2013, 2015, 2017, 2019 અને 2020માં IPLનો ખિતાબ જીત્યો હતો. એટલે કે રોહિતની કેપ્ટનશિપમાં મુંબઈ પાંચ વખત ચેમ્પિયન બન્યું હતું. તેમણે 2013ની સિઝન દરમિયાન કેપ્ટનશિપ સંભાળી હતી અને 2023 સુધી આ જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ 2024માં હાર્દિક પંડ્યાને ટીમની કમાન સોંપવામાં આવી હતી. હવે ત્રણ સિઝન બાદ ફરી રોહિતના હાથમાં જવાબદારી આવી શકે છે.
મુંબઈની ટીમમાં કોચિંગ સ્ટાફ સહિત મોટા ફેરફાર
IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સે કોચિંગ સ્ટાફમાં પણ મોટો ફેરફાર કર્યો છે. કિરોન પોલાર્ડને મુખ્ય કોચ બનાવવામાં આવ્યા છે. રોબિન ઉથપ્પાને બેટિંગ કોચ, મિચેલ મેક્લેનઘનને બોલિંગ કોચ અને ટી. દિલીપને ફિલ્ડિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ધવલ કુલકર્ણી વિકાસ બોલિંગ કોચ તરીકે જોડાયા છે.
ટીમે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા સહિતના ખેલાડીઓને જાળવી રાખ્યા છે. અર્શદીપ સિંહ પણ ટ્રેડ દ્વારા ટીમમાં જોડાયો છે. હવે ચાહકોની નજર માત્ર એક જાહેરાત પર છે—IPL 2027માં મુંબઈની કેપ્ટનશિપ ખરેખર રોહિત શર્મા સંભાળશે કે નહીં?
આ પણ વાંચો: Ball Tampering: ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં ફરી ભૂકંપ! પેટ કમિન્સના ઘરની બહાર પત્રકારોનો જમાવડો !