ભારતીય ક્રિકેટના દિગ્ગજ ઓલરાઉન્ડર અને બે વારના વર્લ્ડ કપ વિજેતા યુવરાજ સિંહની IPLમાં નવી ભૂમિકા સાથે વાપસી થઈ છે. દિલ્હી કેપિટલ્સ ફેન્ચાઇઝીએ IPL 2027ની આગામી સીઝન માટે 44 વર્ષીય યુવરાજ સિંહની ટીમમાં આસિસ્ટન્ટ અને બેટિંગ કોચ તરીકે નિમણૂક કરી છે. આઇપીએલમાં કોચ તરીકે યુવરાજ સિંહની આ પ્રથમ સત્તાવાર જવાબદારી છે.

'દાદા' અને 'યુવી' ની જોડી ફરી એકસાથે

દિલ્હી કેપિટલ્સના ફેન્સ માટે આ નિર્ણય બેવડી ખુશી લઈને આવ્યો છે. તાજેતરમાં જ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને દિલ્હી કેપિટલ્સના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે યુવરાજ સિંહ બેટિંગ કોચ તરીકે જોડાતાં ભારતીય ક્રિકેટની બે દિગ્ગજ હસ્તીઓ ડગઆઉટમાં એકસાથે વ્યૂહરચના બનાવતી જોવા મળશે. યુવરાજે આ અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "દિલ્હી ફેન્ચાઇઝી સાથે મારો જૂનો નાતો રહ્યો છે અને માલિકો સાથે પણ સારા સંબંધો છે. દાદા સાથે ફરી એકવાર કોચ તરીકે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સુક છું. કોચિંગ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે અને યુવા પ્રતિભાઓ સાથે કામ કરવા હું આતુર છું."

જૂની ફેન્ચાઇઝીમાં નવી ભૂમિકા

ઉલ્લેખનીય છે કે, 2015 ની આઇપીએલ ઓક્શનમાં તત્કાલીન દિલ્હી ડેરડેવિલ્સે યુવરાજ સિંહને ₹16 કરોડની રેકોર્ડબ્રેક કિંમતે ખરીદ્યો હતો, જે તે સમયે IPL ઇતિહાસની સૌથી મોંઘી બોલી હતી. હવે 12 વર્ષ બાદ યુવરાજ ફરી એ જ ફેન્ચાઇઝી સાથે કોચિંગ ભૂમિકામાં જોડાયો છે. અગાઉ કોઈ સત્તાવાર કોચિંગ પદ વિના પણ યુવરાજે શુભમન ગિલ, અભિષેક શર્મા અને પ્રભસિમરન સિંહ જેવા યુવા ખેલાડીઓને પર્સનલ મેન્ટોરશિપ આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો: Top Bowler: બુમરાહ 21મી સદીના ટોપ 3 બોલરમાં સામેલ, મેકગ્રા-મુરલીધરન પાછળ