દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLના આયોજનને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી IPLને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં યોજવાની ચર્ચા ચાલી રહી હતી. જોકે, હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા 2028થી 2035 સુધીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યા બાદ IPLના સમયગાળાને લઈને સ્થિતિ સ્પષ્ટ થઈ છે. હવે માર્ચથી મે વચ્ચે IPLનું આયોજન કરવાનો રસ્તો વધુ સરળ બની ગયો છે.

IPLના શેડ્યૂલમાં નહીં થાય ફેરફાર

IPL દર વર્ષે માર્ચથી મે મહિનાની વચ્ચે યોજાય છે. જોકે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટૂર્નામેન્ટ અને ખેલાડીઓના વ્યસ્ત કાર્યક્રમને કારણે ઘણી વખત IPLના આયોજન સામે પડકારો ઊભા થતા હોય છે. બીજી તરફ, ભારતમાં ઉનાળાની ગરમીને કારણે કેટલાક ચાહકો IPL વહેલી શરૂ કરવાની માગ કરી રહ્યા હતા.પૂર્વ IPL ચેરમેન લલિત મોદી, કોલકાતા નાઇટ રાઇડર્સની સહમાલિક જુહી ચાવલા અને પંજાબ કિંગ્સના સહમાલિક નેસ વાડિયા સહિતના લોકોએ પણ IPLને જાન્યુઆરીમાં યોજવા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ICCએ નવું કેલેન્ડર જાહેર કર્યું

પરંતુ ICCએ 2028થી 2035 સુધીના મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટનું નવું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડરમાં માર્ચથી મે સુધીનો સમય IPL માટે અનુકૂળ રાખવામાં આવ્યો છે. એટલે કે આ સમયગાળા દરમિયાન ICCની કોઈ મોટી ટૂર્નામેન્ટ નહીં યોજાય. તેના કારણે IPLના આયોજનમાં આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ સાથે ટકરાવની શક્યતા ઘટશે.

2028થી 2035 સુધી ICCની મોટી ટૂર્નામેન્ટ પાનખર ઋતુમાં

ICCના નવા કેલેન્ડર પ્રમાણે 2028થી 2035 દરમિયાન મોટા ભાગની આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ પાનખર ઋતુમાં યોજાશે. જોકે, જૂન-જુલાઈ 2033માં T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.આ ફેરફારથી IPL માટે માર્ચથી મેનો સમયગાળો ઉપલબ્ધ રહેશે. ભારતીય ક્રિકેટ ચાહકોને પણ દર વર્ષે લગભગ ત્રણ મહિના સુધી IPLનો રોમાંચ માણવાની તક મળી શકશે.

IPLમાં 74 નહીં, 96 મેચ રમાડવાની યોજના?

IPLના આયોજનને લઈને બીજી એક મોટી ચર્ચા મેચોની સંખ્યા વધારવાની છે. હાલમાં IPLમાં કુલ 74 મેચ રમાય છે. જોકે, BCCI ભવિષ્યમાં ટૂર્નામેન્ટને વધુ મોટું બનાવવાની દિશામાં વિચાર કરી રહ્યું છે.હાલની ફોર્મેટમાં દરેક ટીમને તમામ અન્ય ટીમો સામે બે-બે મેચ રમવાની તક મળતી નથી. જો મેચોની સંખ્યા વધારવામાં આવે તો દરેક ફ્રેન્ચાઇઝીને વધુ મુકાબલા રમવાની તક મળી શકે છે.ચર્ચા પ્રમાણે IPLમાં 92 લીગ મેચ અને 4 પ્લેઓફ મેચ સહિત કુલ 96 મેચ યોજવાની યોજના પર વિચાર થઈ શકે છે. જો આવું થાય તો ટૂર્નામેન્ટનો સમયગાળો અને રોમાંચ બંને વધી શકે છે.

IPLમાં 2 નવી ટીમો જોડાશે?

બીજી તરફ IPLમાં બે નવી ટીમો ઉમેરવાની અટકળો પણ સામે આવી હતી. આ અંગે એવી ચર્ચા હતી કે ભવિષ્યમાં 10ને બદલે 12 ટીમો સાથે ટૂર્નામેન્ટ રમાઈ શકે છે. જોકે, BCCIના સચિવ દેવજિત સૈકિયાએ આ પ્રકારની અટકળોનું ખંડન કર્યું હતું.હાલમાં 12 ટીમો ઉમેરવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી. તેથી આગામી સમયમાં IPLમાં ટીમોની સંખ્યા વધશે કે નહીં તે અંગે રાહ જોવી પડશે.

IPL 2028થી બદલાઈ શકે છે ટૂર્નામેન્ટનું સ્વરૂપ

ICCના નવા કેલેન્ડરથી IPL માટે માર્ચથી મેનો સમયગાળો અનુકૂળ બની રહ્યો છે. હવે BCCI પાસે ટૂર્નામેન્ટના આયોજન અને મેચોની સંખ્યા વધારવા અંગે વિચારવાનો વધુ અવકાશ છે.જો 96 મેચના ફોર્મેટને મંજૂરી મળે તો IPLનો રોમાંચ અનેકગણો વધી શકે છે. જોકે, આ અંગે હજુ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. હવે જોવાનું એ રહેશે કે BCCI આગામી વર્ષોમાં IPLના ફોર્મેટમાં કયા ફેરફારો કરે છે.

આ પણ વાંચો- IPL 2027 Trade: લખનૌ છોડી રાજસ્થાન તરફથી રમશે મોહમ્મદ શમી? IPL ટ્રેડ વચ્ચે મોટી ડિલ! સેમ કરન પણ બદલશે ટીમ