IPLના આયોજનમાં આગામી સમયમાં મોટો ફેરફાર થઈ શકે છે. અત્યાર સુધી એપ્રિલ-મે મહિનામાં રમાતી આ લીગને જાન્યુઆરીમાં યોજવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કોલકાતા નાઇટ રાઇડર્સની સહમાલિક જુહી ચાવલા બાદ હવે પંજાબ કિંગ્સના સહમાલિક નેસ વાડિયાએ પણ આ વિચારને સમર્થન આપ્યું છે. વાડિયાના મતે IPLમાં મેચોની સંખ્યા વધારીને 94 કરવી જોઈએ અને તેના માટે ટુર્નામેન્ટનો સમયગાળો પણ લાંબો કરવો પડશે. જોકે, આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

94 મેચ માટે લાંબી વિન્ડર જરૂરી

નેસ વાડિયાએ ક્રિકેટ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેઓ IPLને લાંબા સમયગાળા સુધી યોજવાની દરખાસ્તને આવકારે છે. તેમના મતે સૌથી પહેલાં લીગમાં મેચોની સંખ્યા 94 સુધી લઈ જવા અંગે વિચારવું જોઈએ. જો તેના માટે IPLનું આયોજન જૂના સમયગાળામાંથી ખસેડવું પડે તો એ પણ યોગ્ય રહેશે. વાડિયાએ હવામાનની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અત્યારે વરસાદ અને ત્યારબાદ ભારે ગરમી જેવી સ્થિતિ સર્જાય છે. જાન્યુઆરીમાં ટુર્નામેન્ટ યોજાય તો ખેલાડીઓ અને દર્શકો બંને માટે વાતાવરણ વધુ અનુકૂળ બની શકે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં ભારત અને અન્ય દેશોના સ્થાનિક ક્રિકેટ કાર્યક્રમો ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સમયપત્રકને પણ ધ્યાનમાં રાખવું પડશે. 

જુહી ચાવલાએ પણ જાન્યુઆરીનો વિચાર રજૂ કર્યો

આ ચર્ચાની શરૂઆત પૂર્વ IPL અધ્યક્ષ લલિત મોદીએ કરી હતી. તેમણે IPLને એપ્રિલ-મેના બદલે જાન્યુઆરીમાં શરૂ કરવા અથવા ઓક્ટોબરથી એપ્રિલ વચ્ચે યોગ્ય રીતે ગોઠવાયેલા સમયપત્રક પર વિચાર કરવાની સલાહ આપી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સની સહમાલિક જુહી ચાવલાએ 9 નવેમ્બરે સોશિયલ મીડિયા પર આ વિચારને સમર્થન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે IPL હવે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાંની એક બની ગઈ છે અને તેણે ક્રિકેટના સમયપત્રકને પ્રભાવિત કરવાની ક્ષમતા મેળવી છે. તો પછી એપ્રિલ-મેની કાળઝાળ ગરમીમાં જ ટુર્નામેન્ટ યોજવાની જરૂર શા માટે? જુહીના મતે જાન્યુઆરીમાં આયોજન થાય તો ખેલાડીઓ અને દર્શકોને વધુ સારી પરિસ્થિતિ મળી શકે છે અને ક્રિકેટનો અનુભવ પણ સુધરી શકે છે. 

BCCI શું વિચારે છે?

જાન્યુઆરીમાં IPL યોજવાની ચર્ચા વધી રહી છે, પરંતુ BCCIએ આ પ્રસ્તાવને મંજૂરી આપી નથી. BCCI સચિવ દેવજિત સાઇકિયાએ અગાઉ જણાવ્યું હતું કે બોર્ડમાં ટુર્નામેન્ટને થોડું વહેલું શરૂ કરવાની ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને મે મહિનાના બીજા ભાગમાં વરસાદ અને પ્રી-મોન્સૂન સ્થિતિની શક્યતા તથા ગરમીને ધ્યાનમાં રાખીને આ વિચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, 11 નવેમ્બરે સાઇકિયાએ સ્પષ્ટ કર્યું હતું કે બોર્ડનું હાલનું ધ્યાન IPL 2027 પર છે, જે માર્ચમાં શરૂ થવાની છે. તેમણે જાન્યુઆરીમાં ટુર્નામેન્ટ યોજવાના પ્રસ્તાવ અંગે કોઈ નિર્ણય જાહેર કર્યો નહોતો. 

જાન્યુઆરીમાં IPL યોજવી કેટલું મુશ્કેલ?

જાન્યુઆરીમાં IPL યોજવાનો વિચાર આકર્ષક લાગે છે, પરંતુ તેના અમલમાં અનેક પડકારો છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં આ સમયગાળો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની મોસમ હોય છે. આ દેશોના ખેલાડીઓની ઉપલબ્ધતા અને અન્ય દેશોની ક્રિકેટ શ્રેણીઓનું આયોજન પણ ધ્યાનમાં લેવું પડશે. આ ઉપરાંત 94 મેચ માટે વધુ સમય, મેદાનો અને ખેલાડીઓની ઉપલબ્ધતા જરૂરી બનશે. એટલે માત્ર જાન્યુઆરીમાં ટુર્નામેન્ટ ખસેડવાથી નિર્ણય સરળ નહીં બને. BCCI, ફ્રેન્ચાઇઝીઓ અને અન્ય ક્રિકેટ બોર્ડ વચ્ચે સંકલન જરૂરી રહેશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા માટે મોટા સમાચાર! Rishabh Pant ફિટ, ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ પહેલાં કરશે વાપસી