દુલીપ ટ્રોફી 2026નો ખિતાબ ઈસ્ટ ઝોનની ટીમે પોતાના નામે કરી લીધો છે. પ્રથમ ઈનિંગ્સમાં ટીમે મેળવેલી મહત્વપૂર્ણ લીડના આધારે ઈસ્ટ ઝોને સાઉથ ઝોનને કારમી હાર આપી હતી.આ સાથે જ ઈસ્ટ ઝોનની ટીમે ઈતિહાસમાં ત્રીજી વખત દુલીપ ટ્રોફી જીતવાની સિદ્ધિ હાંસલ કરી લીધી છે. આ ઐતિહાસિક જીત બાદ ઈસ્ટ ઝોનના કેપ્ટન ઈશાન કિશન અને વાઈસ કેપ્ટન વૈભવ સૂર્યવંશીનો એક મજેદાર વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ઈશાન કિશને વૈભવ દ્વારા લેવાયેલા DRS કોલ, તેની કેપ્ટનશીપ અને તેની રમત અંગે રમુજી શૈલીમાં વાતચીત કરી રહ્યા છે.

વૈભવે લીધેલા DRS પર ઇશાનની રમૂજ  

વિડીયોની શરૂઆતમાં રિપોર્ટર વૈભવ સૂર્યવંશી સાથે વાતચીત કરવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તે કંઈ બોલે તે પહેલા જ કેપ્ટન ઈશાન કિશન વચ્ચે આવી ગયો હતો. ઈશાને હસતા હસતા કહ્યું કે, શું વાત ચાલી રહી છે ભાઈ? જરા મને પણ જણાવો, હું પણ સાંભળવા માગું છું કે આ શું જવાબ આપી રહ્યો છે. ત્યારબાદ ઈશાને દુલીપ ટ્રોફીની ફાઈનલ મેચ દરમિયાન વૈભવે લીધેલા DRS નિર્ણયો પર રમૂજ કરી હતી.

https://twitter.com/BCCIdomestic/status/2098275416813511029

ઈશાન અને વૈભવ વચ્ચે મજેદાર નોક-ઝોક

DRSનો શ્રેય લેવા અંગે ઈશાન કિશન અને વૈભવ વચ્ચે મજેદાર નોક-ઝોક જોવા મળી હતી. ઈશાને મજાકમાં કહ્યું કે, DRS લેવાનો મૂળ વિચાર તેનો જ હતો, પરંતુ છેલ્લી ઘડીએ વૈભવ નજીક આવી ગયો અને બધો શ્રેય લઈ ગયો, જેનાથી ઈન્ટરનેટ પર આ મુદ્દો ચર્ચામાં આવી ગયો. જો કે, ઈશાને સ્વીકાર્યું હતું કે, વૈભવે પરિસ્થિતિને ખૂબ સરસ રીતે સંભાળી હતી. તેના જવાબમાં વૈભવે પણ તરત જ પલટવાર કરતા કહ્યું કે, જ્યારે ઈશાન મેદાનની બહાર ગયો હતો, ત્યારે બહાર બેસીને રિવ્યૂના નિર્ણયો કોણ લેતું હતું તે પણ બધાને જણાવવું જોઈએ.

ભવિષ્યમાં વૈભવ ટીમનો કેપ્ટન બની શકે

ઈશાને વૈભવના વખાણ કરતા જણાવ્યું હતું કે, તે ભવિષ્યમાં ભારતીય ટીમનો કેપ્ટન પણ બની શકે છે.જો કે, એ જોવું રહશે કે તેનું પ્રદર્શન કેવું રહેશે. ઈશાનના મતે વૈભવ એક શ્રેષ્ઠ ખેલાડી હોવાની સાથે સાથે તે સારો વ્યક્તિ પણ છે, જે પોતાના સાથી ખેલાડીઓનું પૂરું ધ્યાન પણ રાખે છે. 

ટુર્નામેન્ટમાં ઇશાનની શાનદાર ઇનિંગ્સ   

જો ફાઈનલ મેચના પ્રદર્શનની વાત કરવામાં આવે તો, વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઈનિંગ્સમાં 37 બોલમાં 44 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઈનિંગ્સમાં તે માત્ર 8 રન કરીને આઉટ થઇ ગયો હતો. બીજી તરફ કેપ્ટન ઈશાન કિશને પ્રથમ ઈનિંગ્સમાં 270 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમીને ટીમને 708 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી દીધી હતી. આ શાનદાર બેવડી સદી માટે ઈશાન કિશનને 'પ્લેયર ઓફ ધ મેચ' અને સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માને 'પ્લેયર ઓફ ધ સીરીઝ'નો એવોર્ડ મળ્યો હતો.