સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026માં રેલવેના 23 વર્ષીય ફાસ્ટ બોલર જમશેદ આલમે પોતાની T20 ડેબ્યૂ મેચને યાદગાર બનાવી દીધી છે. સૌરાષ્ટ્ર સામે રમાયેલી આ મેચમાં તેમણે એવી બોલિંગ કરી કે ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ. જમશેદે માત્ર 9 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. એટલું જ નહીં, તેમણે સતત 4 બોલમાં 4 બેટર્સને આઉટ કરીને પણ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. ઇન્દોરના ડેલી કોલેજ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં સૌરાષ્ટ્રની ટીમ 183 રનના લક્ષ્યાંકનો પીછો કરી રહી હતી. રેલવે તરફથી બોલિંગ કરવા આવેલા જમશેદે ઇનિંગ્સની ચોથી ઓવરમાં જ કહેર મચાવી દીધો હતો. તેમણે ઓવરના ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર સતત ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ સૌરાષ્ટ્રની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી.
9 બોલમાં 5 વિકેટ લેનારા પ્રથમ ભારતીય
જમશેદ આલમે પોતાની પ્રથમ T20 મેચમાં જ 9 બોલમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે તેઓ T20 ક્રિકેટમાં 10થી ઓછા બોલમાં 5 વિકેટ લેનારા પ્રથમ ભારતીય બોલર બન્યા છે.ક્રિકઇન્ફોના ડેટાબેઝમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, મેન્સ T20 ક્રિકેટમાં આ પહેલાં માત્ર 2 બોલર 10થી ઓછા બોલમાં 5 વિકેટ લઈ શક્યા હતા. ઇન્ડોનેશિયાના ગેડે પ્રિયાનંદાએ 2025માં કંબોડિયા સામે માત્ર 6 બોલમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે ફિનલેન્ડના મહેશ તાંબેએ એ જ વર્ષે એસ્ટોનિયા સામે 8 બોલમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી.આ બંને ખેલાડીઓ બાદ હવે જમશેદ આલમ પણ આ યાદીમાં સામેલ થયા છે. આ સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા વિશ્વના ત્રીજા બોલર બન્યા છે.
