ન્યૂઝીલેન્ડના પૂર્વ ઓપનિંગ બેટર અને ભારતીય મૂળના ક્રિકેટર જીત રાવલે ક્રિકેટનાં તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાતમાં જન્મેલા 38 વર્ષના જીત રાવલે વર્ષ 2016થી 2020 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 24 ટેસ્ટ મેચ રમી હતી. ક્રિકેટને અલવિદા કહ્યા બાદ હવે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે CA તરીકે પોતાની નવી કારકિર્દીની શરૂઆત કરશે. તે એક ઓડિટિંગ ફર્મમાં પૂર્ણ સમય કામ કરશે.
પાર્થિવ પટેલ સાથે કરી હતી ઓપનિંગ બેટિંગ
જીત રાવલનો ક્રિકેટ પ્રવાસ રસપ્રદ રહ્યો છે. તેનો જન્મ ગુજરાતમાં થયો હતો.તેણે ભારતના પૂર્વ વિકેટકીપર બેટર પાર્થિવ પટેલ સાથે અમદાવાદની વિદ્યાનગર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શાળાના દિવસોમાં બંને સાથે મળીને ઓપનિંગ બેટિંગ કરતા હતા.ત્યાર બાદ જીતનો પરિવાર ગુજરાત છોડીને ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં સ્થાયી થયો હતો. ત્યાં જીતે પોતાની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારી અને ન્યૂઝીલેન્ડની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું.વર્ષ 2008માં તેણે ઓકલેન્ડની ટીમ તરફથી પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ત્યાર બાદ વર્ષ 2016માં પાકિસ્તાન સામે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. પોતાની ટેકનિક અને લાંબી ઇનિંગ રમવાની ક્ષમતાના આધારે તેણે ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટમાં આગવી ઓળખ બનાવી હતી.જીત રાવલ ન્યૂઝીલેન્ડની તે ટીમનો પણ ભાગ હતો, જેણે વર્ષ 2021માં ભારતને હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો.
નિવૃત્તિ અંગે જીત રાવલે શું કહ્યું?
ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણય અંગે જીત રાવલે જણાવ્યું હતું કે તેની ક્રિકેટ કારકિર્દી પર તેને ગર્વ છે અને તે પોતાના નિર્ણયથી ખુશ તથા સંતુષ્ટ છે.ન્યૂઝીલેન્ડ તરફથી રમવું તેનું બાળપણનું સપનું હતું. પોતાની કારકિર્દી પર નજર કરતાં તેને ઘણી ખુશી થાય છે. આ સપનું માત્ર તેનું જ નહીં, પરંતુ તેના પિતાનું પણ હતું.જીતના પિતાએ પોતાના પરિવારના સારા ભવિષ્ય અને પુત્રના ક્રિકેટર બનવાના સપનાને સાકાર કરવા માટે ન્યૂઝીલેન્ડ જવાનો નિર્ણય લીધો હતો. જીતે પોતાની મહેનત અને સતત સારા પ્રદર્શનથી આ સપનાને સાકાર કર્યું.
https://x.com/cricinfo/status/2108391004470739236?s=20
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 10,127 રન
જીત રાવલ ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટના વિશ્વસનીય ઓપનિંગ બેટરોમાંનો એક રહ્યો છે.તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 292 ઇનિંગ્સમાંથી 285 ઇનિંગ્સમાં ઓપનર તરીકે બેટિંગ કરી હતી.તેણે લગભગ 37ની સરેરાશથી કુલ 10,127 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેના બેટમાંથી 23 સદી પણ જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની જાણીતી ઘરેલુ ટુર્નામેન્ટ પ્લંકેટ શીલ્ડમાં તેણે 8,662 રન બનાવ્યા હતા.ટેસ્ટ ક્રિકેટમાં પણ જીતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેણે 24 ટેસ્ટ મેચની 39 ઇનિંગ્સમાં 30.07ની સરેરાશથી 1,143 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 7 અડધી સદી ફટકારી હતી.જીત રાવલની નિવૃત્તિ સાથે ન્યૂઝીલેન્ડના ઘરેલુ ક્રિકેટના એક અનુભવી ઓપનિંગ બેટરની કારકિર્દીનો અંત આવ્યો છે. હવે તે ક્રિકેટના મેદાનની બહાર પોતાની નવી વ્યાવસાયિક કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો - અભિષેક શર્મા vs સૂર્યકુમાર યાદવ: T20Iમાં તૂટશે સૌથી મોટો રેકોર્ડ?