ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે શાનદાર બેટિંગ કરીને ભારતીય બોલરોની મુશ્કેલી વધારી દીધી.ગુહાટીમાં રમાયેલી આ મેચમાં ડાબોડી બેટરે માત્ર 29 બોલમાં અડધી સદી પૂરી કરી અને ત્યાર બાદ પોતાની ઇનિંગને શતકમાં ફેરવી દીધી.કેમ્પબેલે ભારતીય ઝડપી બોલરો સામે આક્રમક બેટિંગ કરી હતી.તેણે પ્રસિદ્ધ કૃષ્ણા,ઔકિબ નબી અને ગુરનૂર બરાડ સામે સતત મોટા શોટ ફટકાર્યા હતા.ભારતીય સ્પિન બોલરો કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા પણ તેને રોકવામાં સફળ રહ્યા નહોતા.પ્રસિદ્ધ કૃષ્ણાના એક ઓવરમાં કેમ્પબેલે 22 રન ફટકાર્યા હતા. તેની બેટિંગમાં શોટની પસંદગી અને આક્રમકતા બંને જોવા મળી હતી. આ શતક સાથે તેણે લાંબા સમય બાદ ODI ક્રિકેટમાં મોટી ઇનિંગ રમી છે.
બ્લડ સેમ્પલ ન આપતાં લાગ્યો હતો પ્રતિબંધ
જોન કેમ્પબેલની ક્રિકેટ કારકિર્દીમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તેમના પર લાંબા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.એપ્રિલ 2022માં તેમણે ડોપિંગ નિયંત્રણ અધિકારીઓને બ્લડ સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો.આ ઘટનાના પગલે જમૈકા એન્ટી-ડોપિંગ કમિશને તેમના પર 4 વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, કેમ્પબેલે આ નિર્ણય સામે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ કરી હતી.અપીલ બાદ તેમનો પ્રતિબંધ ઘટાડીને 22 મહિના કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઓગસ્ટ 2024માં તેમનો પ્રતિબંધ પૂર્ણ થયો અને તેમણે ફરીથી ક્રિકેટના મેદાન પર વાપસી કરી.આ ઘટનાએ તેમની કારકિર્દી પર મોટો પડકાર ઊભો કર્યો હતો, પરંતુ કેમ્પબેલે ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરીને ફરી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સ્થાન બનાવ્યું.
