ઓસ્ટ્રેલિયાના સ્ટાર ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચી દીધો છે. ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં હેઝલવુડે પોતાની ઘાતક બોલિંગના જોરે કાંગારૂ ટીમને ભવ્ય જીત અપાવી હતી.આ સાથે જ તેણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પીડ સ્ટાર બ્રેટ લીનો વર્ષો જૂનો રેકોર્ડ તોડીને એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે.
ડરબન ટેસ્ટમાં હેઝલવુડની સુનામી
દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 થી 13 ઓક્ટોબર દરમિયાન રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયન ટીમે યજમાન આફ્રિકાને 214 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. જીત માટે 421 રનના મુશ્કેલ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઇનિંગમાં માત્ર 206 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ઓસ્ટ્રેલિયાની આ એકતરફી જીતના અસલી હીરો જોશ હેઝલવુડ રહ્યા હતા. હેઝલવુડે પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ લીધા બાદ, બીજી ઇનિંગમાં રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેણે માત્ર 16.5 ઓવરમાં 49 રન આપીને દક્ષિણ આફ્રિકાના 6 બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા અને મેચ ઓસ્ટ્રેલિયાની ઝોળીમાં નાખી દીધી હતી.

