વિરાટ કોહલીનું નામ ફરી એકવાર ક્રિકેટના ઇતિહાસમાં નોંધાયું છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં શાનદાર બેટિંગ કરીને કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં SENA દેશો સામે સૌથી વધુ વખત 50 કે તેથી વધુ રન બનાવનારા બેટર બની ગયા છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 51 બોલમાં અણનમ 74 રન બનાવ્યા હતા. તેમની ઇનિંગ્સમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ સાથે તેમણે SENA દેશો સામે પોતાની 134મી 50+ ઇનિંગ્સ નોંધાવી હતી. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકર અને કોહલીના નામે સંયુક્ત રીતે હતો.
સચિનને પાછળ છોડીને કોહલી પ્રથમ ક્રમે
SENAનો અર્થ દક્ષિણ આફ્રિકા (South Africa), ઇંગ્લેન્ડ (England), ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ઓસ્ટ્રેલિયા (Australia) થાય છે. આ ચારેય દેશોની ટીમો સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટરે બનાવેલા 50 કે તેથી વધુ રનના સ્કોરની ગણતરી કરવામાં આવે છે. આ યાદીમાં કોહલી હવે 134 સ્કોર સાથે પ્રથમ ક્રમે છે. સચિન તેંડુલકરે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં SENA દેશો સામે 133 વખત 50 કે તેથી વધુ રન બનાવ્યા હતા. કોહલીએ હવે તેમને એક સ્કોરથી પાછળ છોડી દીધા છે.

કોહલીના 134 સ્કોરમાં 45 સદી અને 89 અડધી સદી
કોહલીએ SENA દેશો સામે અત્યાર સુધી 320 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50+ સ્કોરની આ સિદ્ધિ મેળવી છે. તેમાં 45 સદી અને 89 અડધી સદીનો સમાવેશ થાય છે. બીજી તરફ સચિન તેંડુલકરે 328 મેચોમાં 50+ના કુલ 133 સ્કોર બનાવ્યા હતા. તેમાં 50 સદી અને 83 અડધી સદી સામેલ હતી. આ આંકડા દર્શાવે છે કે કોહલી માત્ર સદી ફટકારવામાં જ નહીં, પરંતુ સતત મોટી ઇનિંગ્સ રમવામાં પણ કેટલા આગળ રહ્યા છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે તેમણે લાંબા સમય સુધી પોતાની બેટિંગનો દબદબો જાળવી રાખ્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની ઇનિંગ્સથી વધુ એક સિદ્ધિ
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં કોહલીએ અણનમ 74 રન બનાવીને ભારતની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આ ઇનિંગ્સ દરમિયાન તેમણે વનડેમાં પોતાની 80મી અડધી સદી પણ નોંધાવી હતી. આ ઉપરાંત વનડેમાં રનનો પીછો કરતી વખતે સૌથી વધુ રન બનાવવાના મામલે પણ તેમણે સચિન તેંડુલકરને પાછળ છોડ્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડ સામેની એક જ ઇનિંગ્સમાં કોહલીએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તેમની આ સિદ્ધિ ફરી એકવાર સાબિત કરે છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં લાંબા સમય સુધી સતત પ્રદર્શન કરવું કેટલું મહત્ત્વનું છે.
આ પણ વાંચો: IND vs NZ 1st ODI : કોહલીની કિંગ ઈનિંગ, ભારતીય બેટર્સના વાવાઝોડામાં ઉડ્યું ન્યુઝીલેન્ડ