ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ભારત સામેની આગામી વનડે સિરીઝ પહેલાં ખાસ લિમિટેડ એડિશન જર્સી રજૂ કરી છે. ‘કોતાહિતાંગા’ નામની આ જર્સી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના 100 વર્ષના રમતગમતના સંબંધોની ઉજવણી માટે તૈયાર કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડની ટીમ આ જર્સી ભારત સામે નવેમ્બરમાં રમાનારી 5 મેચની વનડે સિરીઝ દરમિયાન પહેરશે. જર્સીનો મુખ્ય હેતુ ક્રિકેટના માધ્યમથી બંને દેશોની સંસ્કૃતિ, ઇતિહાસ અને પરસ્પર સન્માનને ઉજાગર કરવાનો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ ખાસ ડિઝાઇનને બંને દેશોને રમત દ્વારા જોડતી પહેલ ગણાવી છે.
ભારતીય કમળ અને મંડલા કળાનો સમાવેશ
આ જર્સીની સૌથી ખાસ વાત તેની ડિઝાઇન છે. તેમાં ભારતની રાષ્ટ્રીય ઓળખ સાથે જોડાયેલું કમળનું ફૂલ, ભારતીય સ્થાપત્યમાં જોવા મળતી ઓગી પેટર્ન અને મંડલા કળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ આકૃતિઓને પરંપરાગત માઓરી ડિઝાઇન સાથે એવી રીતે જોડવામાં આવી છે કે બંને સંસ્કૃતિઓની અલગ ઓળખ જળવાઈ રહે. જર્સીની ડિઝાઇન તૈયાર કરવામાં બેન થોમસન, શિવ નારંદાસ અને જય પંચાએ સાથે મળીને કામ કર્યું છે. શિવ નારંદાસ અને જય પંચાએ ભારતીય કલાત્મક પ્રતીકોનો ઉપયોગ કર્યો, જ્યારે બેન થોમસને ન્યૂઝીલેન્ડની માઓરી પરંપરામાંથી પ્રેરણા લીધી હતી.
https://x.com/lightningspeedk/status/2109084336901554224?s=20
માઓરી કળા દ્વારા ઇતિહાસને શ્રદ્ધાંજલિ
જર્સીમાં માઓરી સમુદાયની પરંપરાગત ‘કોહવાઈવાઈ’ નામની વળાંકવાળી આકૃતિઓ અને ‘હાઈહાઈ’ રેખાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડિઝાઇન માત્ર શણગાર માટે નથી, પરંતુ બંને દેશો વચ્ચે રમતગમતના સંબંધો બાંધવામાં યોગદાન આપનારા લોકોનું સન્માન કરવાનો સંદેશ આપે છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના ચીફ માર્કેટિંગ એન્ડ કોમર્શિયલ ઓફિસર ગ્લેન ક્રિચલીએ ડિઝાઇનની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા મુજબ, જર્સીમાં ભારતીય અને માઓરી કળા વચ્ચે સુંદર સંતુલન જાળવવામાં આવ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ જર્સી ભારત અને ન્યૂઝીલેન્ડના ક્રિકેટ ચાહકો માટે યાદગાર વસ્તુ બનશે.
1926થી શરૂ થયેલા રમતગમતના સંબંધો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમતના સંબંધોની શરૂઆત 1926માં થઈ હતી. તે વર્ષે ભારતીય સેનાની હોકી ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી બંને દેશો વચ્ચે રમતગમતના ક્ષેત્રે સંબંધો વિકસતા રહ્યા છે. ક્રિકેટની વાત કરીએ તો બંને દેશો વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નવેમ્બર 1955માં હૈદરાબાદમાં રમાઈ હતી. હવે આ 100 વર્ષના રમતગમતના જોડાણની ઉજવણી માટે ખાસ જર્સી રજૂ કરવામાં આવી છે. ભારતનો ન્યૂઝીલેન્ડ પ્રવાસ 22 ઑક્ટોબરથી 5 મેચની ટી-20 સિરીઝ સાથે શરૂ થશે. ત્યારબાદ 4 નવેમ્બરથી વનડે સિરીઝ રમાશે.
આ જર્સી ક્રિકેટ ચાહકો માટે માત્ર ટીમનો નવો પહેરવેશ નથી, પરંતુ બંને દેશોની સાંસ્કૃતિક ઓળખ અને રમતગમતના લાંબા સંબંધોની યાદ અપાવતી પહેલ છે.
આ પણ વાંચો: IND vs NZ: ભારત સામે ન્યૂઝીલેન્ડનો નવો દાવ, ફિન એલનની ભૂમિકા બદલાશે !