ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો છે.વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી આ મેચમાં રાહુલે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે અણનમ 52 રન બનાવ્યા હતા.જોકે આ અડધી સદી સાથે જ તેણે એવી સિદ્ધિ મેળવી છે,જે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગ પણ પોતાની કારકિર્દીમાં મેળવી શક્યા નહોતા.રાહુલ હવે SENA દેશોની ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં અડધી સદી ફટકારનારા ભારતના પ્રથમ ઓપનર બન્યા છે. આ સાથે તેની પાસે ત્રીજા દિવસે વધુ એક મોટો રેકોર્ડ બનાવવાની તક પણ રહેશે.

SENA દેશોમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ઓપનર

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 50 રનનો આંકડો પાર કરવાની સાથે જ કેએલ રાહુલે ખાસ સિદ્ધિ મેળવી છે.તેણે ઓસ્ટ્રેલિયા,ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ધરતી પર અગાઉ સદી ફટકારી હતી.હવે ન્યૂઝીલેન્ડ સામે પણ અડધી સદી ફટકારીને તેણે ચારેય SENA દેશોમાં ટેસ્ટ ક્રિકેટમાં 50થી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.SENA દેશોમાં દક્ષિણ આફ્રિકા,ઇંગ્લેન્ડ,ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.આ ચારેય દેશોમાં ટેસ્ટ ક્રિકેટ રમવી ભારતીય બેટ્સમેનો માટે પડકારજનક માનવામાં આવે છે.અહીંની પીચ પર ઝડપી બોલરોને સ્વિંગ અને ઉછાળનો ફાયદો મળે છે.આવી પરિસ્થિતિમાં રાહુલે સતત સારા પ્રદર્શનથી પોતાની ક્ષમતા સાબિત કરી છે.

એશિયન ઓપનરોમાં સુનીલ ગાવસ્કરથી પાછળ

કેએલ રાહુલની આ સિદ્ધિ માત્ર ભારતીય ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. એશિયાના ઓપનિંગ બેટ્સમેનોની વાત કરીએ તો SENA દેશોમાં ટેસ્ટ ક્રિકેટમાં 50થી વધુ રનની ઇનિંગ રમવાના મામલે રાહુલ હવે 13 વખત આ સિદ્ધિ મેળવી ચૂક્યો છે.આ યાદીમાં તેની આગળ ભારતના પૂર્વ દિગ્ગજ ઓપનર સુનીલ ગાવસ્કર છે. ગાવસ્કરે SENA દેશોમાં 19 વખત 50થી વધુ રનની ઇનિંગ રમી હતી.રાહુલે આ મામલે શ્રીલંકાના પૂર્વ ઓપનર દિમુથ કરુણારત્નેને પણ પાછળ છોડી દીધા છે. કરુણારત્નેએ એશિયન ઓપનર તરીકે SENA દેશોમાં 12 વખત 50થી વધુ રન બનાવ્યા હતા.

ત્રીજા દિવસે સદી ફટકારવાની તક

બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે કેએલ રાહુલ 116 બોલમાં 52 રન બનાવીને અણનમ હતો. તેની આ ઇનિંગમાં 5 ચોગ્ગા સામેલ હતા. હવે ત્રીજા દિવસે તેની નજર મોટી ઇનિંગ રમવા પર રહેશે.રાહુલ પોતાની સદીથી માત્ર 48 રન દૂર છે. જો તે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારવામાં સફળ રહેશે તો ચારેય SENA દેશોમાં ટેસ્ટ સદી ફટકારનારો ભારતનો પ્રથમ ઓપનર બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી શકે છે.

આ પણ વાંચો- IND vs NZ 1st Test Day 2: કે.એલ રાહુલની ફિફ્ટી! ન્યૂઝીલેન્ડ સામે ભારતની પકડ મજબૂત, જાણો બીજા દિવસે શું થયું?