ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન સાઉથ આફ્રિકા સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં એક અનોખા રેકોર્ડને કારણે ચર્ચામાં આવ્યા છે. લાબુશેન ભલે બંને ઇનિંગ્સમાં અર્ધશતકથી ચૂકી ગયા હોય, પરંતુ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક અત્યંત દુર્લભ સંયોગ સર્જવામાં તેઓ સફળ રહ્યા છે. તેમણે મેચની બંને ઇનિંગ્સમાં બરાબર એક જ સરખા રન બનાવ્યા અને તેટલી જ બોલનો સામનો કર્યો હતો.
લાબુશેનની બંને ઇનિંગ્સનું અદ્ભુત સામ્ય
ડરબનના કિંગ્સમીડ મેદાન પર રમાઈ રહેલી આ ટેસ્ટ મેચમાં માર્નસ લાબુશેનનું પ્રદર્શન ખૂબ જ રસપ્રદ રહ્યું. મેચની પ્રથમ ઇનિંગ્સમાં લાબુશેને 58 બોલનો સામનો કરીને 37 રન બનાવ્યા હતા. ત્યારબાદ, બીજી ઇનિંગ્સમાં પણ તેમણે ઠીક એવું જ પ્રદર્શન દોહરાવ્યું હતું. બીજી ઇનિંગ્સમાં સ્પિનર કેશવ મહારાજનો શિકાર બનતા પહેલાં લાબુશેને ફરી એકવાર 58 બોલનો સામનો કર્યો અને બરાબર 37 રન જ ઉમેર્યા હતા. આ રીતે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સમાન બોલ રમીને સમાન રન બનાવવાનું આ અનોખું કારનામું સામે આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓછામાં ઓછા 20 પ્લસ બોલ રમીને અને 20 પ્લસ રન બનાવતા બંને ઇનિંગ્સમાં બિલકુલ એક સરખો સ્કોર બનાવવાની આ ઘટના અત્યંત દુર્લભ માનવામાં આવે છે.
49 વર્ષ પહેલાં ભારતીય દિગ્ગજ સૈયદ કિર્માણીએ કર્યો હતો આવો કરિશ્મા
ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં બિલકુલ એક સરખા આંકડા નોંધાવવાનું આ દુર્લભ કારનામું લાબુશેનથી લગભગ 49 વર્ષ પહેલાં ભારતના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન સૈયદ કિર્માણીએ કર્યું હતું. ભારત માટે આ ઐતિહાસિક સિદ્ધિ કિર્માણીએ 1977માં મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ દરમિયાન હાંસલ કરી હતી. તે મુકાબલામાં સૈયદ કિર્માણીએ પ્રથમ ઇનિંગ્સમાં 62 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા હતા, અને બીજી ઇનિંગ્સમાં પણ ઠીક 62 બોલનો સામનો કરતા 29 રન જ બનાવ્યા હતા.
ડરબન ટેસ્ટની સ્થિતિ અને અન્ય રોમાંચક આંકડા
મેચના સમીકરણની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે દક્ષિણ આફ્રિકા સામે જીત માટે 421 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો છે. પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાએ 390 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની પૂરી ટીમ 284 રન પર સમેટાઈ ગઈ હતી. આ રીતે મહેમાન ટીમને પ્રથમ ઇનિંગ્સના આધારે 106 રનની મહત્વપૂર્ણ સરસાઈ હાસિલ થઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સ 6 વિકેટે 314 રન બનાવીને ડિક્લેર કરી હતી. પ્રથમ ઇનિંગ્સમાં 190 રન બનાવનારા મેટ રેનશોએ બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બેટિંગ કરતા 82 રનનું યોગદાન આપ્યું હતું. તો બીજી તરફ, અનુભવી બેટ્સમેન સ્ટીવ સ્મિથે 41 બોલમાં 27 રન બનાવ્યા હતા. સ્મિથે માર્નસ લાબુશેન સાથે ત્રીજી વિકેટ માટે 53 રનની ઉપયોગી ભાગીદારી પણ નોંધાવી હતી.
આ પણ વાંચો: IND vs SL: દિલ્હીની મેચ અમદાવાદ ખસેડવાની ચર્ચા, અટકળો પર BCCIની સ્પષ્ટતા