રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં ભારત અંડર-19ના ઓપનર લક્ષ્ય રાયચંદાનીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 281 બોલમાં 240 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 24 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. લક્ષ્યની આ ઈનિંગ માત્ર મોટી સદી નહોતી, પરંતુ તેણે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે યુથ ટેસ્ટમાં ડબલ સદી ફટકારનાર પ્રથમ બેટર બનીને રેકોર્ડ પણ બનાવ્યો છે.

ભારત માટે યુથ ટેસ્ટમાં બીજો સૌથી મોટો સ્કોર

લક્ષ્ય રાયચંદાનીનો 240 રનનો સ્કોર ભારત અંડર-19ના બેટર દ્વારા યુથ ટેસ્ટમાં કરવામાં આવેલો બીજો સૌથી મોટો સ્કોર છે. આ યાદીમાં પવન શાહનો 282 રનનો સ્કોર સૌથી ઉપર છે, જે તેણે 2018માં શ્રીલંકા અંડર-19 સામે બનાવ્યો હતો. લક્ષ્યે મેચના બીજા દિવસે જ પોતાની ડબલ સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે ત્રીજા દિવસે પણ બેટિંગ ચાલુ રાખી અને 98.2 ઓવર સુધી ક્રિઝ પર રહીને ભારતને મોટા સ્કોર સુધી પહોંચાડ્યું.

મોહિલ ઉલ્વાએ પણ મચાવી ધૂમ

લક્ષ્યને સૌથી મોટો સાથ મોહિલ ઉલ્વાએ આપ્યો હતો. 10મા નંબર પર બેટિંગ કરવા આવેલા મોહિલે માત્ર 84 બોલમાં 92 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા હતા. લક્ષ્ય અને મોહિલ વચ્ચે 9મી વિકેટ માટે 180 રનની જબરદસ્ત ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીના કારણે ભારતનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો. મોહિલ માત્ર 8 રનથી પોતાની સદી ચૂકી ગયો.

ભારતે 494 રન બનાવીને મેળવી મોટી લીડ

ઓસ્ટ્રેલિયા અંડર-19ની ટીમ પ્રથમ દાવમાં 217 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં ભારતે 102.3 ઓવર બેટિંગ કરીને 494 રન બનાવ્યા. આ રીતે ભારતને પ્રથમ દાવના આધારે 277 રનની મોટી લીડ મળી છે. ભારતની બેટિંગમાં લક્ષ્ય અને મોહિલ સિવાય કેપ્ટન યશબર્ધન ચૌહાણે 54 રનની અડધી સદી ફટકારી હતી.

મોહિલ બોલિંગમાં પણ ચમક્યો

મોહિલ ઉલ્વાએ માત્ર બેટિંગમાં જ નહીં, બોલિંગમાં પણ યોગદાન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં તેણે 3 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી ઈશાન ઓમે શાનદાર બોલિંગ કરીને 5 વિકેટ લીધી હતી, જ્યારે કેપ્ટન યશબર્ધન ચૌહાણે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બ્લેક કેટલે સદી ફટકારી હતી, જ્યારે ઝેડ હોલિકે અડધી સદી બનાવી હતી.

આ પણ વાંચો: IND vs SL: સેમિફાઇનલ વરસાદમાં ધોવાઈ તો કોને મળશે ફાઇનલની ટિકિટ, જાણો સમીકરણ