ક્રિકેટના ઐતિહાસિક મેદાનોમાં સામેલ લોર્ડ્સમાં પિચને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જૂન 2026માં રમાયેલી ટેસ્ટ મેચમાં બોલરોને અસામાન્ય મદદ મળ્યા બાદ ICCએ લોર્ડ્સની પિચને અસંતોષકારક રેટિંગ આપ્યું હતું. આ સાથે મેદાનને એક ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો હતો. હવે મેદાનની દેખરેખ રાખતી મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC)એ આ પિચને ફરીથી તૈયાર કરવાનું કામ શરૂ કર્યું છે. આ પિચ આગામી ઓછામાં ઓછી 2 સિઝન સુધી ઉપયોગમાં નહીં લેવાય.
166 ઓવરમાં પડી ગઈ હતી તમામ 40 વિકેટ
જૂનમાં લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ હતી. આ મેચમાં બેટ્સમેનોને રન બનાવવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 166 ઓવરમાં બંને ટીમોની તમામ 40 વિકેટ પડી ગઈ હતી. તેમાંથી 24 વિકેટ બોલ્ડ અથવા LBW દ્વારા મળી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 115 રનથી જીતી હતી, પરંતુ પિચ પર બોલરોને મળતી અસામાન્ય મદદ ચર્ચાનો વિષય બની હતી. મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે બોલમાં જરૂર કરતાં વધુ સીમ મૂવમેન્ટ જોવા મળી હતી. કેટલીક વખત બોલ ખૂબ નીચો રહ્યો હતો અને બાઉન્સ પણ એકસરખો નહોતો.
લોર્ડ્સને પહેલીવાર મળ્યો ડિમેરિટ પોઇન્ટ
લોર્ડ્સ ક્રિકેટનું સૌથી ઐતિહાસિક અને જાણીતું મેદાન છે. જોકે, આ ટેસ્ટ બાદ તેને ICC તરફથી પહેલીવાર ડિમેરિટ પોઇન્ટ મળ્યો હતો. ICCના નિયમો પ્રમાણે, પિચને અસંતોષકારક રેટિંગ મળે ત્યારે સંબંધિત મેદાનને એક ડિમેરિટ પોઇન્ટ આપવામાં આવે છે. આ પોઇન્ટ 5 વર્ષ સુધી રેકોર્ડમાં રહે છે. કોઈ મેદાનને કુલ 6 ડિમેરિટ પોઇન્ટ મળે તો તેને 12 મહિના માટે આંતરરાષ્ટ્રીય મેચોની યજમાનીમાંથી સસ્પેન્ડ કરી શકાય છે. જોકે, લોર્ડ્સને મળેલા એક પોઇન્ટનો અર્થ એ નથી કે મેદાન પર તમામ આંતરરાષ્ટ્રીય મેચો બંધ થઈ જશે. કાર્યવાહી ખાસ કરીને વિવાદિત પિચને ફરીથી તૈયાર કરવા અંગે છે.
MCCએ તૈયાર કર્યો 7 મુદ્દાનો પ્લાન
આ વિવાદ બાદ MCCના અધ્યક્ષ માર્ક નિકોલસે પિચની તૈયારીમાં સુધારો કરવા માટે 7 મુદ્દાનો પ્લાન તૈયાર કર્યો હતો. ક્લબના ક્રિકેટ અને ઓપરેશન્સ ડિરેક્ટર રોબ લિંચ તથા ગ્રાઉન્ડ સ્ટાફે નિષ્ણાતોની મદદથી પિચ તૈયાર કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. આ માટે ડેટાનું વિશ્લેષણ પણ કરવામાં આવ્યું હતું. પિચ નંબર 9ને ફરીથી બનાવવાનું કામ ઓક્ટોબરમાં શરૂ થયું છે. આ પ્રક્રિયાને કારણે આગામી 2થી 3 સિઝન સુધી તેનો ઉપયોગ થઈ શકશે નહીં. MCCનો હેતુ લોર્ડ્સની પ્રતિષ્ઠાને અનુરૂપ પિચ તૈયાર કરવાનો છે. જોકે, પિચ ઉપલબ્ધ ન રહેતાં મેદાનના આગામી કાર્યક્રમોના આયોજનમાં મુશ્કેલી પડી શકે છે.
ભવિષ્યમાં હાઇબ્રિડ અને ડ્રોપ-ઇન પિચનો ઉપયોગ વધશે
MCC હવે પિચની તૈયારી માટે હાઇબ્રિડ સપાટી અને કાયમી ડ્રોપ-ઇન પિચનો ઉપયોગ વધારવાની યોજના બનાવી રહ્યું છે. હાઇબ્રિડ પિચમાં કુદરતી ઘાસ સાથે થોડા પ્રમાણમાં સિન્થેટિક ફાઇબરનો ઉપયોગ થાય છે. તેનાથી પિચનો ઉપયોગ કર્યા બાદ તેને ફરીથી તૈયાર કરવામાં લાગતો સમય ઘટાડવામાં મદદ મળી શકે છે. ક્લબ ડ્રોપ-ઇન પિચ માટે ટ્રે પણ તૈયાર કરી રહ્યું છે. તેની એક પિચને 2028માં મુખ્ય મેદાનના સ્ક્વેરમાં લાવવાની યોજના છે. આ ફેરફારોનો હેતુ પિચની તૈયારી માટે વધુ સમય આપવાનો અને વ્યસ્ત ક્રિકેટ શેડ્યૂલ વચ્ચે મેદાનની સ્થિતિ જાળવવાનો છે.
આ પણ વાંચો: BCCIના નવા ચીફ સિલેક્ટર કોણ? પાર્થિવ પટેલે અરજી ન કરતાં આ નામ ચર્ચામાં