ટેસ્ટ ક્રિકેટમાં જ્યારે ટીમ મુશ્કેલીમાં હોય ત્યારે નીચલા ક્રમના (ટેલએન્ડર્સ) બેટ્સમેનો સાથે લાંબી ભાગીદારી કરવી એ સૌથી મોટો પડકાર માનવામાં આવે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાના ડાબોડી બેટ્સમેન મેટ રેનશોએ દક્ષિણ આફ્રિકા સામે કિંગ્સમીડ ટેસ્ટમાં આ અશક્ય લાગતા પડકારને એક મોટી સિદ્ધિમાં બદલી નાખ્યો છે. રેનશોએ 190 રનની શાનદાર ઇનિંગ દરમિયાન ભારતીય રન મશીન વિરાટ કોહલીનો એક મોટો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધો છે.
વિરાટ કોહલીનો 10 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
મેટ રેનશોએ ઇનિંગ્સ દરમિયાન 8થી 11મા ક્રમના બેટ્સમેનો સાથે મળીને કુલ 174 રન જોડ્યા હતા. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક ઇનિંગ્સમાં છેલ્લા ક્રમના બેટરો સાથે સૌથી વધુ રન બનાવનારો દુનિયાનો નંબર-1 બેટ્સમેન બન્યો છે.આ પહેલા આ મોટો રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. કોહલીએ વર્ષ 2016માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે 235 રનની ઐતિહાસિક ઇનિંગ રમતી વખતે 8થી 11મા ક્રમના બેટરો સાથે 171 રન જોડ્યા હતા, જે રેકોર્ડ હવે રેનશોએ પોતાના નામે કરી લીધો છે.
https://x.com/ICC/status/2109155043475956113?s=20
બેવડી સદીથી માત્ર 10 રન દૂર રહ્યો, ઓસ્ટ્રેલિયા મજબૂત
મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટીમે માત્ર 124 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. આવા સમયે રેનશોએ 397 બોલનો સામનો કરીને 190 રન બનાવ્યા હતા. તે પોતાની પ્રથમ ટેસ્ટ બેવડી સદીથી માત્ર 10 રન દૂર હતો ત્યારે સિમોન હાર્મરે તેને આઉટ કર્યો હતો. તેને કેપ્ટન પેટ કમિન્સ (43 રન) અને નાથન લાયન (27 રન) નો સારો સાથ મળ્યો, જેનાથી ઓસ્ટ્રેલિયા 390 રન સુધી પહોંચી શક્યું.
દક્ષિણ આફ્રિકા હજુ પણ 363 રન પાછળ
દક્ષિણ આફ્રિકા તરફથી વિયાન મુલ્ડરે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના 390 રનના જવાબમાં બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાએ 1 વિકેટે 27 રન બનાવી લીધા હતા. એડન માર્કરમ 15 રન અને ડેવિડ બેડિંગહામ 12 રન સાથે ક્રીઝ પર હતા. ખરાબ પ્રકાશના કારણે મેચ વહેલી રોકવામાં આવી હતી અને આફ્રિકાની ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 363 રન પાછળ છે.
આ પણ વાંચો - BAN Vs AUS: sobhana mostaryની મોટી ઈનિંગ, સદી ફટકારી તોડ્યા આ રેકોર્ડ્સ