ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દિલ્હીમાં રમાઈ રહેલી 3 મેચની T20I સિરીઝની બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવીને સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. અફઘાનિસ્તાન માટે આ મેચનું પરિણામ ભલે નિરાશાજનક રહ્યું હોય, પરંતુ અનુભવી ઓલરાઉન્ડર મોહમ્મદ નબીએ પોતાના નામે મોટી સિદ્ધિ નોંધાવી છે.મોહમ્મદ નબી T20I ક્રિકેટમાં 2500થી વધુ રન અને 100થી વધુ વિકેટ લેનારા અફઘાનિસ્તાનના પ્રથમ ખેલાડી બની ગયા છે. એટલું જ નહીં, વિશ્વ ક્રિકેટમાં પણ આ ખાસ ડબલ સિદ્ધિ હાંસલ કરનારા નબી માત્ર ચોથા ખેલાડી બન્યા છે.
153મી T20I મેચમાં નબીએ રચ્યો ઈતિહાસ
મોહમ્મદ નબી T20 ફોર્મેટમાં અફઘાનિસ્તાનના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. તેઓ ટીમની કેપ્ટનશિપ પણ કરી ચૂક્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત સામેની બીજી T20I મેચમાં નબી જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે આ તેમની કારકિર્દીની 153મી T20I મેચ હતી.નબીએ આ મેચમાં 20 રનની ઇનિંગ રમી. આ દરમિયાન 19મો રન બનાવતાની સાથે જ તેમણે T20I ક્રિકેટમાં પોતાના 2500 રન પૂરા કર્યા.હવે નબીના નામે T20Iમાં 2501 રન અને 111 વિકેટ છે.આ સાથે તેઓ એવા ખાસ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેમણે T20I ક્રિકેટમાં 2500 કે તેથી વધુ રન બનાવવાની સાથે 100થી વધુ વિકેટ પણ લીધી છે.
https://x.com/ACBofficials/status/2099882538319626577?s=20
T20Iમાં 2500+ રન અને 100+ વિકેટ

આ આંકડા નબીએ T20I ક્રિકેટમાં લાંબા સમયથી આપેલા યોગદાનને દર્શાવે છે. બેટિંગ અને બોલિંગ બંનેમાં સતત યોગદાન આપવાના કારણે નબી અફઘાનિસ્તાનના મહત્વના ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે.
નબી અને મુજીબ પણ ખાસ ક્લબમાં સામેલ
ભારત સામેની દિલ્હીમાં રમાયેલી બીજી T20I મેચમાં અફઘાનિસ્તાન તરફથી પ્રથમ 2 ઓવર સ્પિન બોલરોએ ફેંકી હતી. મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન બંનેએ નવી બોલિંગથી શરૂઆત કરી હતી.આ સાથે નબી અને મુજીબ એવી ખાસ સ્પિન જોડીની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેમણે ભારત સામેની T20I મેચમાં બંને છેડેથી બોલિંગની શરૂઆત કરી છે.મોહમ્મદ નબી માટે આ બીજી વખત છે જ્યારે તેઓ આવી સિદ્ધિનો ભાગ બન્યા છે. આ પહેલા 2021માં દુબઈમાં ભારત સામે રમાયેલી મેચમાં નબીએ શરાફુદ્દીન અશરફ સાથે મળીને બોલિંગની શરૂઆત કરી હતી.
ભારત સામે બંને છેડેથી સ્પિન બોલિંગની શરૂઆત કરનારી જોડી
- બ્રેડ હોજ અને ગ્લેન મેક્સવેલ – મીરપુર, 2014
- શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજ – કોલંબો, 2018
- મોહમ્મદ નબી અને શરાફુદ્દીન અશરફ – દુબઈ, 2021
- મેહદી હસન મિરાજ અને શાકિબ અલ હસન – નોર્થ સાઉન્ડ, 2024
- બ્રાયન બેનેટ અને વેલિંગ્ટન મસાકાદ્ઝા – હરારે, 2024
- મુજીબ ઉર રહેમાન અને મોહમ્મદ નબી – દિલ્હી, 2026
ભારત સામેની બીજી T20Iમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હાર
ભારત સામેની બીજી T20Iમાં અફઘાનિસ્તાનને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચ મોહમ્મદ નબી માટે યાદગાર બની ગઈ. 2500 રન અને 100થી વધુ વિકેટનો આ ડબલ રેકોર્ડ તેમના શાનદાર T20I કરિયરમાં વધુ એક મોટી સિદ્ધિ બની ગયો છે.
આ પણ વાંચો - Asian Games 2026માં ભારત જીતશે તો શું નકવી આપશે મેડલ? જાણો નિયમ