ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીના ભાઈ મોહમ્મદ કૈફ સામે લખનઉમાં બળાત્કાર અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો છે. કૈફ પોતે પણ ક્રિકેટર છે અને બંગાળ તરફથી રણજી ટ્રોફીમાં રમી ચૂક્યા છે. એક છૂટાછેડા લીધેલી મહિલાએ કૈફ સામે લગ્નનું વચન આપીને શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવ્યો છે.મહિલાની ફરિયાદ પ્રમાણે કૈફ સાથે તેની મુલાકાત 2020માં થઈ હતી.તે સમયે મહિલા NCR વિસ્તારમાં રહેતી હતી અને પોતાના પતિથી છૂટાછેડા બાદ બાળક સાથે રહેતી હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને ત્યાર બાદ મુલાકાતો વધતી ગઈ. મહિલાનો દાવો છે કે કૈફે તેની પરિસ્થિતિ જાણ્યા બાદ પણ તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી.13 સપ્ટેમ્બરની રાત્રે લખનઉના આશિયાના પોલીસ સ્ટેશનમાં કૈફ અને તેના ભાઈ હસીબ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

મહિલાએ ફરિયાદમાં શું કહ્યું?

મહિલાના જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બર 2023ના રોજ કૈફે તેને કોલકાતા બોલાવી હતી.ત્યાં એક હોટલમાં રોકાણ દરમિયાન કૈફે લગ્ન કરવાનું કહીને તેની સાથે બળજબરી કરી હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો છે.ફરિયાદ મુજબ આ ઘટના બાદ પણ કૈફ લગ્નની વાતને લઈને ટાળટૂળ કરતો રહ્યો અને મહિલાએ અનેક વખત તેના પર લગ્ન માટે દબાણ કર્યું હતું.મહિલાનો દાવો છે કે કૈફે IPL 2025ની હરાજી બાદ લગ્ન કરવાની વાત કહી હતી.જોકે, હરાજી પૂર્ણ થયા બાદ પણ લગ્ન થયા નહોતા.ત્યાર બાદ મહિલાએ લગ્ન માટે ફરી દબાણ કર્યું તો કૈફ, તેના ભાઈ હસીબ અને પરિવારના અન્ય સભ્યોએ તેને ધમકી આપી હોવાનો પણ આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

Mohammed Shami Brother

કૈફના ભાઈ પર પણ ધમકીનો આરોપ

મહિલાએ પોતાના નિવેદનમાં કૈફના ભાઈ હસીબ પર પણ ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. મહિલાના જણાવ્યા પ્રમાણે હસીબે તેને કહ્યું હતું કે તેઓ તેમનું કંઈ બગાડી શકે તેમ નથી અને કૈફ તેની સાથે લગ્ન કરશે નહીં.પોલીસે ફરિયાદમાં કરવામાં આવેલા આ આરોપોને આધારે કૈફ સાથે હસીબ સામે પણ કેસ નોંધ્યો છે. જોકે, આરોપોની સત્યતા અંગે અંતિમ નિર્ણય તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ થશે.

નોકરી છોડાવવા અંગે પણ આરોપ

મહિલાએ કૈફ પર તેની નોકરી છોડાવવા અંગે પણ ગંભીર આરોપ લગાવ્યો છે. ફરિયાદ પ્રમાણે તે અગાઉ એરલાઇન્સમાં કેબિન ક્રૂ તરીકે કામ કરતી હતી. મહિલાનો દાવો છે કે કૈફને તેનું નોકરી કરવું પસંદ નહોતું અને તેના દબાણને કારણે તેણે નોકરી છોડી દીધી હતી.હાલમાં મહિલા આશિયાના વિસ્તારમાં પોતાના ઘરે રહે છે અને તેની પાસે નોકરી નથી, એવો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

પોલીસની તપાસ શરૂ

આશિયાના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગજેન્દ્ર રાયના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ કૈફ અને હસીબ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે ફરિયાદમાં કરવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે.પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન મળતા પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ હોવાથી આરોપો અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું રહેશે.

આ પણ વાંચો - BCCI અને અજિત અગરકર વચ્ચે મતભેદની ચર્ચા તેજ, આ મુદ્દે વધી ખટાશ