વુમન્સ એશિયા કપ 2026 જીત્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટ્રોફી સ્વીકારવાને લઈને મોટો નિર્ણય લીધો હતો. ફાઇનલમાં શ્રીલંકાને 72 રનથી હરાવીને ભારતે 8મી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ખિતાબ જીત્યા બાદ ટ્રોફી સમારોહ ચર્ચામાં રહ્યો હતો.ભારતીય ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના પ્રમુખ મોહસિન નકવી પાસેથી ટ્રોફી સ્વીકારી નહોતી. નકવી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ હોવા ઉપરાંત પાકિસ્તાન સરકારમાં મંત્રી પણ છે. આ કારણસર ભારતીય ટીમે તેમની પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલા 2025ના પુરુષ એશિયા કપ દરમિયાન પણ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લીધી નહોતી.હવે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ સમગ્ર મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.
રાજીવ શુક્લાએ નકવીને લઈ શું કહ્યું
રાજીવ શુક્લાના જણાવ્યા અનુસાર, ભારતીય ટીમના આ નિર્ણય સામે મોહસિન નકવીએ કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો.તેમણે કહ્યું કે BCCIમાં ચર્ચા કર્યા બાદ ટીમને નિર્ણયની જાણ કરવામાં આવી હતી.શુક્લાએ જણાવ્યું કે ટ્રોફી સમારોહ દરમિયાન નકવી લગભગ 40થી 45 મિનિટ સુધી ટ્રોફી આપવા માટે ઉભા રહ્યા હતા. જોકે, ભારતીય ટીમ તેમની પાસેથી ટ્રોફી લેવા માટે આગળ આવી નહોતી. ત્યારબાદ નકવી સ્ટેડિયમમાંથી ચાલ્યા ગયા હતા.રાજીવ શુક્લાએ જણાવ્યું કે આ નિર્ણય સામૂહિક ચર્ચા બાદ લેવામાં આવ્યો હતો અને નકવીએ પણ તેના પર કોઈ સવાલ કર્યો નહોતો. તેમના જણાવ્યા પ્રમાણે, નકવીએ જે ખેલાડીઓને પુરસ્કાર આપવાના હતા તેમને પુરસ્કાર આપ્યા અને ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા.
