મહેન્દ્ર સિંહ ધોની IPL 2027માં રમશે કે ક્રિકેટને અલવિદા કહેશે, તેને લઈને ચાહકોમાં ઉત્સુકતા યથાવત્ છે. ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન ધોનીએ આગામી સિઝનમાં રમવાની શક્યતા અંગે મોટું નિવેદન આપ્યું છે. ધોનીના જણાવ્યા અનુસાર, IPL 2027માં રમવું કે નહીં તેનો નિર્ણય તેની ફિટનેસ તપાસ બાદ લેવામાં આવશે. ડિસેમ્બર પહેલાં તે આકલન કરશે કે તેનું શરીર વધુ એક સિઝન રમવા માટે કેટલું તૈયાર છે.
ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.: ધોની
બેંગલુરુમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન ધોનીને IPL 2027માં રમવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તેણે ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. ત્યારબાદ મળનારા અહેવાલના આધારે તે નક્કી કરશે કે વધુ એક સિઝન રમવા માટે તે કેટલો ફિટ છે.ધોનીએ પોતાની ઉંમર અને ફિટનેસનો ઉલ્લેખ કરતાં જૂની ગાડીનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેણે કહ્યું કે જો તે ફિટ નહીં હોય, તો આ જૂની ગાડીને રસ્તા પર સારી રીતે ચલાવવા માટે જરૂરી દરેક બાબત યોગ્ય કરવી પડશે.ધોનીના આ નિવેદનથી ચાહકોની આશા વધી છે, પરંતુ તેણે IPL 2027માં રમવાની સત્તાવાર પુષ્ટિ કરી નથી. તેનો અંતિમ નિર્ણય ફિટનેસ અને તબીબી તપાસના પરિણામો પર આધારિત રહેશે.
https://x.com/ANI/status/2114112331676524964?s=20
IPL 2027માં ધોનીની વાપસી પર સસ્પેન્સ
ધોનીની ફિટનેસને લઈને ચાહકોની ચિંતા વધી છે. ઈજા અને ફિટનેસ સંબંધિત મુશ્કેલીઓને કારણે તે IPL 2026માં રમી શક્યો નહોતો. તેની ગેરહાજરીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. ટીમ સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.હવે ચેન્નાઈના ચાહકોની નજર ડિસેમ્બર પહેલાં થનારા ધોનીના ફિટનેસ આકલન પર રહેશે. જો તે રમવા માટે ફિટ સાબિત થશે, તો આગામી સિઝનમાં તેની વાપસીની શક્યતા રહેશે. જોકે, અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી તેની ભાગીદારી અંગે કંઈ પણ નિશ્ચિત કહી શકાય નહીં.
ધોનીએ CSKના ખરાબ પ્રદર્શન પર શું કહ્યું?
ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સના તાજેતરના પ્રદર્શન અંગે પણ ખુલીને વાત કરી હતી. તેના મતે, કાગળ પર ટીમ કેટલી મજબૂત છે તેના કરતાં મેદાન પર તે દિવસે કેવું પ્રદર્શન કરે છે તે વધુ મહત્વનું છે.ધોનીએ જણાવ્યું કે T20 ક્રિકેટ જેવા ટૂંકા સ્વરૂપમાં ટોચની ટીમો વચ્ચેનો તફાવત ઘણો ઓછો હોય છે. છેલ્લાં બે વર્ષમાં ચેન્નાઈએ સંઘર્ષ કર્યો છે અને આ વાસ્તવિકતાથી મોઢું ફેરવી શકાય નહીં.તેના નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે ટીમે માત્ર સારા ખેલાડીઓ એકત્રિત કરવા પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ મેદાન પર સતત સારું પ્રદર્શન કરવા પર પણ ધ્યાન આપવું પડશે
ધોનીએ RCBનાં વખાણ કર્યાં
ધોનીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના તાજેતરના પ્રદર્શનની પણ પ્રશંસા કરી હતી. તેણે સ્વીકાર્યું કે RCBએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ આવું કરવામાં સફળ રહી નથી.ધોનીના જણાવ્યા અનુસાર, દરેક ટીમના સારા અને ખરાબ દિવસો આવે છે. જોકે, જ્યારે પરિસ્થિતિ પોતાની તરફેણમાં ન હોય ત્યારે ટીમ તરીકે કયા ક્ષેત્રોમાં સુધારો કરી શકાય છે તે સમજવું સૌથી મહત્વનું છે.
આ પણ વાંચો - T20 સિરીઝ વચ્ચે ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો! સ્ટાર બોલર બાકીની 3 મેચમાંથી બહાર