IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સમાં મોટો ફેરફાર થયો છે. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સ તરફથી રમશે, જ્યારે પંજાબનો ઝડપી બોલર અર્શદીપ સિંહ મુંબઈ ઇન્ડિયન્સમાં જોડાયો છે. આ ટ્રેડની સત્તાવાર જાહેરાત બાદ હવે મુંબઈ સામે સૌથી મોટો સવાલ છે કે આગામી સીઝનમાં ટીમની કમાન કોને સોંપવામાં આવશે? હાર્દિકે 2024, 2025 અને 2026ની સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સનું નેતૃત્વ કર્યું હતું. 2024માં તેણે રોહિત શર્માની જગ્યા લીધી હતી. હવે હાર્દિકના જવાથી મુંબઈ પાસે નવા કેપ્ટનની પસંદગી માટે ચાર મોટા વિકલ્પો છે. તેમાં રોહિત શર્મા, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહનાં નામ ચર્ચામાં છે.

રોહિત શર્મા: ફરી કેપ્ટન બનવાની શક્યતા

મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશિપની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ રોહિત શર્માનું આવે છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું હતું. તેણે 2013, 2015, 2017, 2019 અને 2020માં ટીમને ખિતાબ અપાવ્યો હતો.હાર્દિકના ટ્રેડ બાદ રોહિત ફરી મુંબઈની કમાન સંભાળી શકે તેવી ચર્ચા તેજ બની છે. રોહિત પાસે લાંબો અનુભવ છે અને ટીમના ઘણા ખેલાડીઓ સાથે તેની સારી સમજણ છે. જોકે, ફ્રેન્ચાઇઝી તરફથી હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

તિલક વર્મા: યુવા ખેલાડીને મળી શકે છે તક

મુંબઈ ઇન્ડિયન્સ લાંબા ગાળાનું નેતૃત્વ તૈયાર કરવા માગે તો તિલક વર્મા પણ એક વિકલ્પ બની શકે છે. 2022માં IPLમાં પ્રવેશ કરનાર તિલક શરૂઆતથી જ મુંબઈની ટીમનો મહત્ત્વનો ભાગ રહ્યો છે.ડાબા હાથનો આ બેટર ભારતીય ટીમમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. યુવા ઉંમર અને ટીમ સાથેનો લાંબો સંબંધ તેને ભવિષ્યના કેપ્ટન તરીકેનો વિકલ્પ બનાવે છે. જો મુંબઈ યુવા ખેલાડીને જવાબદારી સોંપવાનું નક્કી કરે તો તિલકનું નામ ચર્ચામાં રહી શકે છે.

સૂર્યકુમાર યાદવ: કેપ્ટનશિપનો અનુભવ

ભારતીય ક્રિકેટ ટીમના T20 કેપ્ટન તરીકે જવાબદારી સંભાળી ચૂકેલો સૂર્યકુમાર યાદવ પણ મુંબઈ માટે એક મજબૂત વિકલ્પ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કેપ્ટનશિપનો અનુભવ તેની સાથે છે.સૂર્યકુમાર લાંબા સમયથી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયેલો છે અને ટીમની કાર્યપદ્ધતિને સારી રીતે સમજે છે. તેની આક્રમક બેટિંગની સાથે નેતૃત્વનો અનુભવ પણ ટીમ માટે ઉપયોગી બની શકે છે.

જસપ્રીત બુમરાહ: અનુભવ અને જવાબદારી

મુંબઈ ઇન્ડિયન્સના સૌથી મહત્ત્વના ખેલાડીઓમાં જસપ્રીત બુમરાહનું નામ આવે છે. 2013માં IPLમાં પ્રવેશ કર્યા બાદ તે સતત મુંબઈની બોલિંગનો મુખ્ય આધાર રહ્યો છે.બુમરાહ પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો મોટો અનુભવ છે. તેની શાંત પ્રકૃતિ અને દબાણમાં પ્રદર્શન કરવાની ક્ષમતા તેને કેપ્ટનશિપ માટેનો વિકલ્પ બનાવે છે. જોકે, ઝડપી બોલર તરીકે તેની જવાબદારીઓ અને કામના ભારને ધ્યાનમાં રાખીને ફ્રેન્ચાઇઝી નિર્ણય લઈ શકે છે.

આખરે કોને મળશે મુંબઈની કમાન?

હાર્દિક પંડ્યાના ગયા બાદ મુંબઈ ઇન્ડિયન્સ સામે નવા કેપ્ટરની પસંદગીનો મોટો પડકાર છે. રોહિત શર્મા પાસે 5 IPL ખિતાબ જીતાડવાનો અનુભવ છે, જ્યારે તિલક વર્મા ભવિષ્યનો યુવા વિકલ્પ બની શકે છે. સૂર્યકુમાર યાદવ પાસે આંતરરાષ્ટ્રીય કેપ્ટનશિપનો અનુભવ છે અને બુમરાહ પણ ટીમનો અનુભવી ખેલાડી છે.હાલમાં આ ચારેય નામ સંભવિત વિકલ્પો તરીકે ચર્ચામાં છે. મુંબઈ ઇન્ડિયન્સ કોના પર વિશ્વાસ મૂકે છે તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

આ પણ વાંચો - IPL 2027 : હાર્દિકના બદલામાં અર્શદીપ! MI-PBKSની મહાડિલમાં કોને ફાયદો અને કોને નુકસાન?