ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને નિર્ણાયક T20 મેચ ભલે વરસાદના કારણે રદ થઈ ગઈ હોય, પરંતુ આ ટૂંકી મેચમાં એક મોટો ઈતિહાસ રચાઈ ગયો છે. વરસાદના કારણે મેચ 9-9 ઓવરની કરવામાં આવી હતી, જેમાં ભારતીય યુવા સ્ટાર ઓલરાઉન્ડર નમન ધીરે પોતાની વિસ્ફોટક બેટિંગથી આખા ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. નમને માત્ર 6 બોલમાં અણનમ 24 રન ફટકારીને સન્સેશન મચાવી દીધું છે. 400ના અકલ્પનીય સ્ટ્રાઇક રેટથી રમેલી આ ઇનિંગની મદદથી નમને ભારતના મહાન પાવર-હિટર યુવરાજ સિંહનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

પ્રથમ 3 બોલમાં જ 16 રન ફટકારી દિનેશ કાર્તિકની કરી બરાબરી

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી સાતમી ઓવરમાં કેપ્ટન શ્રેયસ અય્યર આઉટ થયા બાદ નમન ધીર ક્રીઝ પર આવ્યો હતો. મેદાન પર પગ મૂકતાની સાથે જ નમને વેસ્ટ ઈન્ડિઝના બોલરો પર આક્રમણ કરી દીધું હતું. તેણે પોતાની ઇનિંગના શરૂઆતના માત્ર 3 બોલમાં જ 16 રન  ફટકારી દીધા હતા. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇનિંગના પ્રથમ 3 બોલમાં કોઈ ભારતીય દ્વારા બનાવાયેલા આ સંયુક્ત રીતે સૌથી વધુ રન છે. આ અગાઉ વર્ષ 2018માં દિનેશ કાર્તિકે બાંગ્લાદેશ સામે પ્રથમ 3 બોલમાં 16 રન ફટકાર્યા હતા.

યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકનો રેકોર્ડ પાછળ છોડ્યો

નમન ધીરની 6 બોલમાં 24 રનની અણનમ ઇનિંગનો સ્ટ્રાઇક રેટ 400 રહ્યો હતો. ઓછામાં ઓછા 5 બોલ રમનારા ભારતીય બેટ્સમેનોમાં આ સ્ટ્રાઇક રેટ સાથે ઇનિંગ પૂરી કરવાની તેની સિદ્ધિ ખાસ બની છે.આ પહેલાં આ યાદીમાં યુવરાજ સિંહ અને દિનેશ કાર્તિકના નામ નોંધપાત્ર હતાં.2007ના T20 વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ઇંગ્લેન્ડ સામે માત્ર 16 બોલમાં 58 રન ફટકાર્યા હતા.આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ 362.5 હતો. આ જ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો હતો.બીજી તરફ,દિનેશ કાર્તિકે 2018ની નિદાહાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે માત્ર 8 બોલમાં અણનમ 29 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 362.5 રહ્યો હતો.

https://x.com/LoyalSachinFan/status/2111494860746403883?s=20

દિનેશ કાર્તિકનો 500ના સ્ટ્રાઇક રેટનો અનોખો રેકોર્ડ પણ છે અકબંધ

જો બોલ રમવાની કોઈ મર્યાદા ન રાખવામાં આવે અને ઓછામાં ઓછા 2 બોલ રમવાની જ શરત હોય, તો ભારતમાં દિનેશ કાર્તિક હજુ પણ ટોપ પર છે. કાર્તિકે વર્ષ 2022માં નાગપુર ખાતે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 2 બોલમાં 10 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 500નો રહ્યો હતો. જોકે, ફિનિશર તરીકે 5થી વધુ બોલ રમીને 400નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખવો એ નમન ધીરની અસાધારણ ક્ષમતા દર્શાવે છે.

નમનની આક્રમક રમતથી ફેન્સ અને સિલેક્ટર્સ પ્રભાવિત

વરસાદે ભલે મેચની મજા બગાડી દીધી હોય અને ભારત શ્રેણી જીતવાથી વંચિત રહી ગયું હોય, પરંતુ ભારતીય ક્રિકેટને નમન ધીરના રૂપમાં એક નવો સિક્સર કિંગ મળી ગયો છે. માત્ર 6 બોલમાં રમાયેલી આ વિસ્ફોટક ઇનિંગે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. ફેન્સ આ યુવા ખેલાડીના ફિયરલેસ એપ્રોચના વખાણ કરી રહ્યા છે અને આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં પણ તેને વધુ તકો મળે તેવી આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો - IND vs WIની ટક્કરમાં બન્યો T20 ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડ