પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે હાલનો સમય મુશ્કેલીઓથી ભરેલો છે.ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાકિસ્તાનની ટીમને સતત બે ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.હેડિંગ્લે અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ ટીમ 3 મેચની ટેસ્ટ સીરિઝમાં 0-2થી પાછળ છે.હવે બંને ટીમો વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 9 સપ્ટેમ્બરે એજબેસ્ટનમાં રમાવાની છે.પાકિસ્તાનના ખરાબ પ્રદર્શન વચ્ચે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને જાણીતા કોમેન્ટેટર નાસિર હુસૈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે PCB પર આકરો પ્રહાર કર્યો છે. નાસિર હુસૈનનું માનવું છે કે ટીમના ખરાબ પ્રદર્શન બાદ PCBએ જે રીતે સમગ્ર સ્થિતિ સંભાળી છે, તેનાથી પાકિસ્તાન ક્રિકેટની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે વધુ વધી ગઈ છે.

પાકિસ્તાન ટીમ ફરી ચર્ચમાં

હેડિંગ્લે અને લોર્ડ્સમાં મળેલી હાર બાદ PCBએ કેટલાક મોટા નિર્ણયો લીધા હતા.ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી 7 ખેલાડીઓ અને 2 કોચને પરત મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આ દરમિયાન મોહમ્મદ રિઝવાન,સલમાન અલી આગા અને ઇમામ-ઉલ-હક જેવા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત ત્રીજી ટેસ્ટ માટે ટેસ્ટ કોચની જવાબદારીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.આ નિર્ણયોને લઈને નાસિર હુસૈને PCBની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.મીડિયા રિપોર્ટ અનુસાર નાસિર હુસૈને કહ્યું કે હેડિંગ્લે ટેસ્ટ બાદ દુનિયા પાકિસ્તાનની મજાક ઉડાવી રહી નહોતી. લોર્ડ્સ ટેસ્ટમાં પાકિસ્તાનના પ્રદર્શનથી તેઓ નિરાશ હતા, કારણ કે ટીમે મેચમાં વાપસી કરવા માટે પૂરતો સંઘર્ષ કર્યો નહોતો.

pakistan-cricket-team

PCBના નિર્ણયોથી સ્થિતિ વધુ બગડી

નાસિર હુસૈનના મતે પાકિસ્તાન ક્રિકેટ જેવી મહાન ક્રિકેટિંગ રાષ્ટ્રની સ્થિતિ જોઈને પહેલેથી જ નિરાશા થતી હતી.પરંતુ PCBએ તાજેતરમાં જે રીતે નિર્ણય લીધા છે,તેનાથી સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે.તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે PCBના નિર્ણયોને કારણે પાકિસ્તાન ક્રિકેટ હવે હાસ્યનું પાત્ર બની ગયું છે. તેમના મતે બોર્ડે સ્થિતિને સુધારવાને બદલે વધુ ખરાબ કરી છે.

ઇમામ-ઉલ-હકના મામલે પણ સવાલ

નાસિર હુસૈને ઇમામ-ઉલ-હકના મામલે પણ PCBને ઘેર્યું છે.લોર્ડ્સ ટેસ્ટના પ્રથમ દિવસે ઇમામને પગની પિંડીમાં ખેંચાણની ફરિયાદ થઈ હતી.આ ઈજાના કારણે તેઓ મેચની બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી શક્યા નહોતા.જોકે મેચના ચોથા દિવસે રમત શરૂ થવા પહેલાં ઇમામને નેટ્સમાં બેટિંગ કરતા જોવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ઈજાની ગંભીરતા અંગે સવાલો ઉઠ્યા હતા.ઇંગ્લેન્ડના પૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે પણ ઇમામની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ PCBની ટીમ મેનેજમેન્ટ અને ખેલાડીઓની ઈજાને સંભાળવાની રીત પર ચર્ચા વધારી દીધી છે.

હવે એજબેસ્ટન ટેસ્ટ પર નજર

પાકિસ્તાન ટીમ માટે હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મહત્વની બની ગઈ છે. 0-2થી પાછળ ચાલી રહેલી પાકિસ્તાની ટીમ સામે હવે સીરિઝ બચાવવાનો પડકાર છે.બીજી તરફ PCBના નિર્ણયોને લઈને પણ ચર્ચા સતત ચાલી રહી છે.નાસિર હુસૈનના નિવેદન બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર વધુ સવાલો ઊભા થયા છે. હવે જોવાનું રહેશે કે પાકિસ્તાનની ટીમ એજબેસ્ટન ટેસ્ટમાં વાપસી કરી શકે છે કે નહીં.

આ પણ વાંચો - CPLમાં દસુન શનાકાનું તોફાન, માત્ર 39 બોલમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ!