મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)એ ક્રિકેટ કોચિંગમાં નવી ટેક્નોલોજી અપનાવતાં સિંગાપોરની કંપની લેવલ અપ સ્પોર્ટ્સલિટિક્સ સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ સ્થિત શરદ પવાર ઇન્ડોર ક્રિકેટ એકેડમીમાં AI આધારિત કોચિંગ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. ક્રિકેટમાં ઔપચારિક તાલીમ કાર્યક્રમમાં AI અપનાવનાર MCA દેશનું પ્રથમ ક્રિકેટ સંગઠન બન્યું છે. આ પ્રોજેક્ટની શરૂઆત એક રજૂઆતથી થઈ હતી. ઓગસ્ટ 2026માં લેવલ અપ સ્પોર્ટ્સલિટિક્સે MCA સમક્ષ પોતાની ટેક્નોલોજીનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારબાદ એસોસિએશને આ સિસ્ટમની ઉપયોગિતા તપાસવા માટે પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હાલ આ પ્રયોગના આધારે કોચ અને ખેલાડીઓ પાસેથી પ્રતિસાદ લેવામાં આવશે.

4 કેમેરા રાખશે ખેલાડીની દરેક હિલચાલ પર નજર

આ AI સિસ્ટમની સૌથી ખાસ વાત એ છે કે એકેડમીની દરેક પિચ પર અલગ-અલગ ખૂણામાં 4 કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા બેટિંગ કરતી વખતે ખેલાડીની દરેક હિલચાલ રેકોર્ડ કરશે. ત્યારબાદ AI આ ફૂટેજનું વિશ્લેષણ કરીને ખેલાડીના પ્રદર્શન અને ટેક્નિક સાથે જોડાયેલો ડેટા તૈયાર કરશે. ઉદાહરણ તરીકે, કોઈ કોચને ખેલાડીનો બેકફૂટ શોટ તપાસવો હોય તો તે એપમાં સીધો પ્રશ્ન દાખલ કરી શકશે. AI સિસ્ટમ તે શોટ સંબંધિત ફૂટેજ અને ખેલાડીનો વ્યક્તિગત ડેટા સામે લાવશે. આના કારણે કોચને ખેલાડીની ટેક્નિકમાં રહેલી ખામી સમજવામાં અને સુધારાની દિશા નક્કી કરવામાં મદદ મળશે. આ પ્લેટફોર્મમાં બેટિંગ અને બોલિંગનું વિશ્લેષણ, બોલનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ અને ખેલાડીના વ્યક્તિગત પ્રદર્શનનો ડેટા સામેલ છે. એટલે કે કોચ માત્ર પોતાની નજર અને અનુભવના આધારે નહીં, પરંતુ આંકડા અને વીડિયો વિશ્લેષણના આધારે પણ ખેલાડીને માર્ગદર્શન આપી શકશે. 

કોચની ભૂમિકા ઓછી નહીં થાય, કામ વધુ સરળ બનશે

આ પ્રોજેક્ટમાં એકેડમીના મુખ્ય કોચ સિતાંશુ દાશ અને તેમની કોચિંગ ટીમ AI પ્લેટફોર્મ સાથે મળીને કામ કરશે. MCAના સંયુક્ત સચિવ અજિંક્ય નાઈકે આ પહેલને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અજિંક્ય નાઈકે જણાવ્યું હતું કે સમયની સાથે બદલાવ લાવવો જરૂરી છે. ટેક્નોલોજી પડદા પાછળ મહત્વની ભૂમિકા ભજવી રહી છે અને હવે તેનો ઉપયોગ રોજિંદા નેટ સેશનમાં કરીને કોચ અને ખેલાડીઓને કેટલો ફાયદો થાય છે તે જોવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યારે આ માત્ર પાયલટ પ્રોજેક્ટ છે અને કોચ તથા ખેલાડીઓના પ્રતિસાદના આધારે આગળનો નિર્ણય લેવાશે.

એકેડમીના મુખ્ય કોચ સિતાંશુ દાશે પણ આ ટેક્નોલોજી અંગે આશા વ્યક્ત કરી છે. તેમના મતે, AIની મદદથી કોચની કાર્યક્ષમતા 20થી 100 ગણી સુધી વધી શકે છે. આ ટેક્નોલોજી કોચના સ્થાને કામ નહીં કરે, પરંતુ કોચના હાથમાં એક ઉપયોગી સાધન બનશે. તેના કારણે ઓછા સમયમાં વધુ ખેલાડીઓનું વિશ્લેષણ કરવું અને તેમને યોગ્ય માર્ગદર્શન આપવું શક્ય બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો મુંબઈની આ પહેલ ભારતીય ક્રિકેટમાં કોચિંગની પદ્ધતિ બદલવાની દિશામાં મહત્વનું પગલું બની શકે છે.

આ પણ વાંચો: Syed Mushtaq Ali Trophy: હાર્દિક પંડ્યાને ફરી ઝટકો! કૃણાલ બન્યો કેપ્ટન, બરોડાની ટીમ જાહેર થતાં મોટો સંકેત