ક્રિકેટપ્રેમીઓ માટે વધુ એક નવી લીગમાં દિગ્ગજ ખેલાડીઓનો જમાવડો જોવા મળશે. ભારતના પૂર્વ ઓપનર શિખર ધવન, વેસ્ટ ઇન્ડીઝના વિસ્ફોટક બેટર ક્રિસ ગેઇલ અને બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન હવે સુપર 90ની ચોથી સિઝનમાં રમતા જોવા મળશે. મુંબઈમાં 12 નવેમ્બરે યોજાયેલા ખેલાડીઓના ડ્રાફ્ટ બાદ સાત ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમો નક્કી કરી લીધી છે. આ ટૂર્નામેન્ટ 3થી 12 ડિસેમ્બર દરમિયાન કેન્યાની રાજધાની નૈરોબીમાં રમાશે.

સાત ટીમોના આઇકોન ખેલાડીઓ કોણ?

સુપર 90ની ચોથી સિઝનમાં સાત ટીમો ભાગ લેશે અને દરેક ટીમે પોતાના આઇકોન ખેલાડીની પસંદગી કરી છે. શિખર ધવન દિલ્હી રોયલ્સનો આઇકોન ખેલાડી બન્યો છે, જ્યારે ક્રિસ ગેઇલ પંજાબ ટાઇટન્સનું પ્રતિનિધિત્વ કરશે. બાંગ્લાદેશના શાકિબ અલ હસનને લંડન જાયન્ટ્સે પોતાની ટીમમાં સામેલ કર્યો છે. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ હરિયાણા વોરિયર્સ, ઇંગ્લેન્ડના ડેવિડ મલાન એલ્ડોરેટ ટાઇગર્સ, જેસન રોય મેરુ થન્ડર્સ અને એલેક્સ હેલ્સ નૈરોબી લાયન્સના આઇકોન ખેલાડી રહેશે.

એક જ લીગમાં અનેક દેશોના સ્ટાર્સ

આ ડ્રાફ્ટમાં માત્ર આઇકોન ખેલાડીઓ જ નહીં, પરંતુ અનેક જાણીતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પણ સ્થાન મળ્યું છે. વેસ્ટ ઇન્ડીઝના એવિન લુઇસ અને ફેબિયન એલન, બાંગ્લાદેશના મહમુદુલ્લાહ, પાકિસ્તાનના ઇમાદ વસીમ, દક્ષિણ આફ્રિકાના વેઇન પાર્નેલ અને ઇંગ્લેન્ડના રવિ બોપારા જેવા ખેલાડીઓ પણ અલગ-અલગ ટીમોમાં રમશે. આ ઉપરાંત ક્રિસ લિન, એન્જેલો મેથ્યુઝ, ઇમરાન તાહિર, મિચેલ જોન્સન, પીટર સિડલ, પિયુષ ચાવલા, અંબાતી રાયડુ અને શોન માર્શ જેવા અનુભવી ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટનો ભાગ બનશે.

કેન્યાના સ્થાનિક ખેલાડીઓને પણ તક

આ ટૂર્નામેન્ટનો એક મહત્ત્વનો હેતુ કેન્યામાં ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો પણ છે. સાતેય ટીમોમાં કેન્યાના સ્થાનિક ખેલાડીઓ ઉપરાંત કેનેડા અને નોર્વેના ક્રિકેટરોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ક્રિકેટ કેન્યાના અધ્યક્ષ ભાવેશ ગોહિલે જણાવ્યું હતું કે સુપર 90 સ્થાનિક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરો સામે રમવાની અને અનુભવ મેળવવાની તક આપશે. તેમના મતે આવી સ્પર્ધાઓથી કેન્યાના યુવા ક્રિકેટરોને પોતાની પ્રતિભા બતાવવા માટે મોટું મંચ મળશે.

90 બોલના ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટ

સુપર 90નું આકર્ષણ તેનું 90 બોલનું ફોર્મેટ પણ છે. સામાન્ય T20 ક્રિકેટમાં એક ઇનિંગમાં 120 બોલ હોય છે, જ્યારે અહીં દરેક ટીમને 90 બોલ રમવાની તક મળશે. તેના કારણે મેચ વધુ ટૂંકી અને ઝડપી બનવાની અપેક્ષા છે.

3થી 12 ડિસેમ્બર સુધી નૈરોબીમાં રમાનારી આ સિઝનમાં આંતરરાષ્ટ્રીય સ્ટાર્સની સાથે સ્થાનિક પ્રતિભા પણ જોવા મળશે. હવે જોવાનું એ રહેશે કે ધવન, ગેઇલ અને શાકિબ જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમને ખિતાબ સુધી પહોંચાડી શકે છે કે નહીં.

આ પણ વાંચો: SMAT 2026: પહેલી જ મેચમાં ફ્લોપ રહ્યો 15 વર્ષનો કેપ્ટન! વૈભવની બેટિંગ નિરાશાજનક, બિહાર હાર્યું