ભારત સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી વચ્ચે ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે શ્રેણીની બાકીની મેચોમાં રમી શકશે નહીં. ન્યૂઝીલેન્ડ ક્રિકેટના જણાવ્યા અનુસાર, ફર્ગ્યુસનને જમણા પગની પિંડીમાં ઈજા થઈ છે. સ્કેનમાં ઈજાની પુષ્ટિ થયા બાદ તેને સ્વસ્થ થવા માટે અંદાજે એક સપ્તાહનો સમય લાગી શકે છે. ફર્ગ્યુસનની જગ્યાએ ઝડપી બોલર મેટ ફિશરને ન્યૂઝીલેન્ડની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની 5 મેચની T20 શ્રેણીમાં ભારતે શરૂઆતની 3 મેચ જીતીને 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બાકીની 2 મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમ પોતાના પ્રદર્શનથી શ્રેણીનો અંત સકારાત્મક રીતે કરવા માગશે.

બીજી T20 મેચ દરમિયાન થઈ ઈજા

ફર્ગ્યુસનને બીજી T20 મેચ દરમિયાન જમણા પગની પિંડીમાં દુખાવો થયો હતો. આ મેચ હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. ત્યારબાદ કરવામાં આવેલા સ્કેનમાં પગની પિંડીના સ્નાયુમાં હળવી ઈજા હોવાનું સામે આવ્યું હતું. આ કારણે તે શ્રેણીની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહીં. ફર્ગ્યુસનને આશરે એક સપ્તાહ વધુ આરામની જરૂર પડી શકે છે. જોકે, ન્યૂઝીલેન્ડની ટીમને આશા છે કે તે ભારત સામેની આગામી વનડે શ્રેણી પહેલાં ફિટ થઈ જશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 4 નવેમ્બરથી વનડે શ્રેણી શરૂ થવાની છે.

મેટ હેનરીને પણ ઈજા

ન્યૂઝીલેન્ડનો બીજો ઝડપી બોલર મેટ હેનરી પણ ઈજાનો સામનો કરી રહ્યો છે. બીજી T20 મેચ દરમિયાન તેના જમણા પગની જાંઘના સ્નાયુમાં દુખાવો થયો હતો. સ્કેનમાં હળવી ઈજાની પુષ્ટિ થઈ છે અને તેને સ્વસ્થ થવા માટે 1થી 2 અઠવાડિયાનો સમય લાગી શકે છે. હેનરીએ બાકીની T20 મેચો રમવાની નહોતી, કારણ કે ટીમ મેનેજમેન્ટે આગામી વ્યસ્ત ક્રિકેટ સીઝનને ધ્યાનમાં રાખીને તેના વર્કલોડનું આયોજન કર્યું હતું. જોકે, ઈજાને કારણે તેની ફિટનેસ પર પણ નજર રાખવામાં આવશે. ન્યૂઝીલેન્ડને આશા છે કે તે વનડે શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

કોચ રોબ વૉલ્ટર શું બોલ્યા?

ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વૉલ્ટરે બંને ખેલાડીઓની ઈજાને લઈને નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ફર્ગ્યુસન અને હેનરીને ગુમાવવા ટીમ માટે દુઃખદ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈજાઓ રમતનો એક ભાગ છે, પરંતુ મહત્વપૂર્ણ મેચો પહેલાં ખેલાડીઓ બહાર થાય ત્યારે નિરાશા થાય જ છે. કોચે વધુમાં આશા વ્યક્ત કરી કે બંને બોલર વનડે શ્રેણી માટે ફિટ થઈને ટીમમાં યોગદાન આપી શકશે.

ભારત સામેની બાકીની મેચો ક્યારે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચોથી T20 મેચ 30 ઓક્ટોબરે ઑકલેન્ડના ઈડન પાર્કમાં રમાશે, જ્યારે પાંચમી અને અંતિમ મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં યોજાશે. ભારત પહેલેથી જ શ્રેણી જીતી ચૂક્યું છે. હવે ન્યૂઝીલેન્ડની ટીમ ઈજાગ્રસ્ત બોલરોની ગેરહાજરીમાં બાકીની મેચો માટે બોલિંગ સંયોજનમાં ફેરફાર કરીને મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો: Ben White: માત્ર 28 વર્ષની ઉંમરે સ્ટાર સ્પિનરે ક્રિકેટને કહ્યું અલવિદા!