ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી 5 મેચની T20 સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ફટકો પડ્યો છે.ટીમના બે ખેલાડીઓ માર્ક ચેપમેન અને જેક ફોલ્ક્સ ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ચેપમેનને જાંઘના સ્નાયુમાં ખેંચાણ આવ્યું છે, જ્યારે ફોલ્ક્સના જમણા હિપમાં ઈજા થઈ છે.આ બંને ખેલાડીઓના સ્થાને ઓલરાઉન્ડર જોશ ક્લાર્કસન અને ઝડપી બોલર બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 સિરીઝનો પ્રથમ મુકાબલો 22 ઓક્ટોબરે રમાવાનો છે. આ મહત્વપૂર્ણ સિરીઝ પહેલાં ખેલાડીઓની ઈજાએ ન્યૂઝીલેન્ડની મુશ્કેલી વધારી છે.

યુરોપિયન T20 લીગ દરમિયાન ચેપમેનને થઈ હતી ઈજા

માર્ક ચેપમેનને ગયા મહિને યુરોપિયન T20 લીગમાં રમતી વખતે હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી. આ કારણે તે ભારત સામેની T20 સિરીઝમાં રમી શકશે નહીં.જોકે,તેની ઈજામાં સુધારો થાય તો ભારત સામેની વનડે સિરીઝ પહેલાં તે ફિટ થઈ શકે તેવી આશા છે.બીજી તરફ, જેક ફોલ્ક્સને પ્રેક્ટિસ દરમિયાન જમણા હિપમાં ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે પણ T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. તે ક્યારે મેદાન પર પાછો ફરશે તે અંગે હાલમાં કોઈ સ્પષ્ટ માહિતી નથી.બંને ખેલાડીઓની ગેરહાજરી ન્યૂઝીલેન્ડ માટે ચિંતાનો વિષય છે.હવે તેમની જગ્યાએ સામેલ કરાયેલા ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે તેના પર ટીમની નજર રહેશે.

https://x.com/ICC/status/2108371285734756408?s=20


મુખ્ય કોચે ખેલાડીઓની ઈજા અંગે શું કહ્યું?

ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ વૉલ્ટરે માર્ક ચેપમેન અને જેક ફોલ્ક્સ ઈજાગ્રસ્ત થતાં નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે બંને ખેલાડીઓ ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.સાથે જ તેમણે જોશ ક્લાર્કસન અને બ્લેર ટિકનર જેવા અનુભવી ખેલાડીઓ ટીમમાં ઉપલબ્ધ હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. બંને ખેલાડીઓ ભારત સામેની રોમાંચક T20 સિરીઝમાં રમવા માટે ઉત્સુક છે.હવે ન્યૂઝીલેન્ડની ટીમ આ બે ખેલાડીઓની ગેરહાજરીમાં શ્રેણી માટે કેવી તૈયારી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું

આ વર્ષે રમાયેલા પુરુષોના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો.હવે બંને ટીમો વચ્ચે ફરી એકવાર 5 મેચની T20 સિરીઝમાં મુકાબલો થશે.સિરીઝનો પ્રથમ અને બીજો મુકાબલો અનુક્રમે 22 અને 24 ઓક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાવાનો છે. ત્યાર બાદ ત્રીજી મેચ 27 ઓક્ટોબરે વેલિંગ્ટન, ચોથી મેચ 30 ઓક્ટોબરે ઓકલેન્ડ અને પાંચમી તથા અંતિમ મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં રમાશે.ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલાની અપેક્ષા છે.

આ પણ વાંચો - IND VS WI 2nd T20 : વૈભવ સૂર્યવંશી કરશે ડેબ્યૂ? શ્રેયસ ઐયરના નિર્ણય પર સૌની નજર