ભારતીય મહિલા ક્રિકેટની 20 વર્ષની ઉભરતી ઓલરાઉન્ડર ખેલાડી નિકી પ્રસાદે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં એક અદ્ભુત અને અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રાયપુરમાં રમાયેલા આ મુકાબલામાં નિકીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની બોલિંગ કરિયરના શરૂઆતના પહેલા જ બે બોલ પર સતત બે વિકેટ ઝડપીને ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ નોંધાવી દીધું છે.
રાયપુરમાં 9 વિકેટે હરાવ્યું
રાયપુરમાં રમાયેલી આ મેચમાં ભારતીય મહિલા ટીમે ઝિમ્બાબ્વેને 9 વિકેટે હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 103 રનમાં સમેટાઈ ગઈ હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ સરળતાથી લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ કરી હતી. જોકે, આ મેચમાં નિકી પ્રસાદના બોલિંગ પ્રદર્શને ખાસ ચર્ચા જગાવી હતી.
https://x.com/ICC/status/2112029378477691099?s=20
નિકી પ્રસાદે સતત 2 બોલમાં ઝડપી 2 વિકેટ
ઝિમ્બાબ્વે સામેની બીજી T20 મેચમાં નિકી પ્રસાદને 15મી ઓવરમાં બોલિંગ કરવાની તક મળી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી જ બોલ પર તેણે ઝિમ્બાબ્વેની બેટર ચિપો ટિરિપાનોને આઉટ કરી હતી. ચિપોએ આ મેચમાં સૌથી વધુ 34 રન બનાવ્યા હતા.પહેલી જ બોલ પર વિકેટ લીધા બાદ નિકીએ પોતાની બીજી બોલ પર પણ વિરોધી ટીમની બેટરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આમ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની શરૂઆતની 2 બોલમાં સતત 2 વિકેટ લઈને તેણે યાદગાર પ્રદર્શન કર્યું હતું. આ સિદ્ધિને ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટના ઇતિહાસમાં અનોખી ગણાવવામાં આવી છે. નિકી પોતાની હેટ્રિક પૂરી કરી શકી નહોતી, પરંતુ માત્ર 2 બોલમાં 2 વિકેટ લઈને તેણે મેચમાં પોતાની છાપ છોડી હતી.
પહેલી T20 મેચમાં બેટિંગથી પણ બતાવી હતી તાકાત
નિકી પ્રસાદે ઝિમ્બાબ્વે સામેની પહેલી T20 મેચમાં પણ બેટથી સારું પ્રદર્શન કર્યું હતું. તેણે તે મેચમાં 39 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી. ભારતીય ટીમે આ મુકાબલો 4 વિકેટે જીત્યો હતો.આમ, બીજી મેચમાં બોલિંગથી કમાલ કરતાં પહેલાં નિકીએ બેટિંગમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી હતી. સતત બે મેચમાં અલગ-અલગ રીતે યોગદાન આપતાં તેણે ટીમમાં પોતાની ઉપયોગિતા દર્શાવી છે.નિકી પ્રસાદનું આ પ્રદર્શન ભારતીય મહિલા ક્રિકેટ માટે સકારાત્મક સંકેત છે. જો તે આગામી મેચોમાં પણ આવું જ પ્રદર્શન જાળવી રાખશે, તો ટીમ માટે એક વિશ્વસનીય ઓલરાઉન્ડર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત બનાવી શકે છે.
આ પણ વાંચો - IPL Trade: CSK નહીં, આ ટીમમાં જશે હાર્દિક પંડ્યા? સામે આવ્યું મોટું અપડેટ