આગામી સમયમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીઓને આપવામાં આવતા વાર્ષિક સેન્ટ્રલ કરારના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. જેની ખેલાડીઓ પર સીધી અસર પડશે. અત્યાર સુધી ખેલાડીઓને તેમના પ્રદર્શન અને સિનિયોરીટીના આધારે કરાર મળતા હતા, પરંતુ હવે બોર્ડ મેચ માટેની ઉપલબ્ધતા ને પણ એક મુખ્ય શરત બનાવવા પર વિચાર કરી રહ્યું છે, એટલે કે ખેલાડી કેટલા મેચ માટે ફિટ અને ઉપલબ્ધ છે તે પણ જોવામાં આવશે.

ખેલાડીઓની ઈજા સૌથી મોટું કારણ

છેલ્લા કેટલાક સમયમાં ભારતીય ટીમના અનેક મુખ્ય ખેલાડીઓ વારંવાર ઈજાગ્રસ્ત થવાને કારણે મોટી મેચો રમી શક્યા નથી. આ જ બાબતને ધ્યાનમાં રાખીને બોર્ડ એવું ઈચ્છે છે કે ખેલાડીઓ વધુમાં વધુ મેચો માટે ફિટ રહે અને જરૂર પડે ત્યારે મેચ માટે ઉપલબ્ધ રહી શકે.

આ ફોર્મુલા પર BCCI કરી રહ્યું છે વિચાર 

હાલમાં BCCI એવા ફોર્મુલા પર ચર્ચા કરી રહ્યું છે કે જેમાં પૂરી સીઝન દરમિયાન તેમની ફિટનેસ અને મેચ મયેની ઉપલબ્ધતા પર નજર રાખવામાં આવશે. બોર્ડ એક નિર્ધારિત સીમા નક્કી કરી શકે જેમાં સેન્ટ્રલ કરાર મેળવવા માટે, ખેલાડીએ ઓછામાં ઓછી નિર્ધારિત સંખ્યામાં મેચો રમવા માટે ઉપલબ્ધ રહેવું આવશ્યક રહેશે.   

અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી

સૂત્રનો જણાવ્યા અનુસાર BCCIએ સ્પષ્ટ કર્યું છે કે, આ વિચાર હજુ પ્રાથમિક તબક્કામાં છે અને ફક્ત આંતરિક ચર્ચા ચાલી રહી છે, હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જો કે, જો આ નિયમ અમલમાં આવશે તો ભવિષ્યમાં માત્ર સારો દેખાવ જ નહીં, પરંતુ સતત ફિટ રહેવું પણ સેન્ટ્રલ કરાર મેળવવા માટે અનિવાર્ય બની જશે. જો આ નિયમ અમલમાં આવશે, તો ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે માત્ર સારું પ્રદર્શન કરવું પૂરતું નહીં હોય. ટીમ માટે સતત ફિટ રહેવું એ પણ કરોડોના કરાર મેળવવાની ગેરંટી બની જશે.