ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ શ્રેણી માત્ર મેદાન પરના મુકાબલા માટે જ નહીં, પરંતુ બંને ટીમો વચ્ચેની આક્રમક સ્પર્ધા અને સ્લેજિંગ માટે પણ જાણીતી છે. હવે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલાં 2018નો સેન્ડપેપર કાંડ ફરી ચર્ચામાં આવ્યો છે. ભારતના પૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ વિવાદને લઈને એક રસપ્રદ વાત કહી છે. તેમના મતે ભારતીય ટીમમાં માત્ર એક જ એવો ખેલાડી છે, જે વિકેટ પાછળ ઊભા રહીને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને આ જૂની ઘટના યાદ અપાવી શકે છે. અશ્વિને આ માટે ઋષભ પંતનું નામ લીધું છે.
અશ્વિને કેમ લીધું ઋષભ પંતનું નામ?
જિયોસ્ટાર પર વાતચીત દરમિયાન અશ્વિનને પૂછવામાં આવ્યું હતું કે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ભારતીય ખેલાડીઓ 2018ના સેન્ડપેપર કાંડને લઈને ઓસ્ટ્રેલિયાની ટીમ પર ટિપ્પણી કરી શકે છે કે નહીં? તેના જવાબમાં અશ્વિને કહ્યું કે ભારતીય ડ્રેસિંગ રૂમમાં તેમને માત્ર એક જ એવો ખેલાડી દેખાય છે, જે આવું કરી શકે છે અને તે છે ઋષભ પંત. અશ્વિને કહ્યું કે વિકેટ પાછળ ઊભા રહીને પંત એકાદ-બે ટિપ્પણી કરી શકે છે. પંત મેદાન પર પોતાની મસ્તીભરી અને બોલકી શૈલી માટે જાણીતો છે. વિકેટકીપર તરીકે તે સતત બોલરો અને બેટરો સાથે વાતચીત કરતો રહે છે. તેથી અશ્વિનને લાગે છે કે આ જૂના વિવાદને લઈને મેદાન પર મજાક કરવાની હિંમત પંત જ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા પણ જવાબ આપશે તો નવાઈ નહીં
અશ્વિને એમ પણ કહ્યું કે જો ભારતીય ખેલાડીઓ સ્લેજિંગ શરૂ કરે તો ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી પણ એવો જ જવાબ મળવો જોઈએ. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સંસ્કૃતિ મેદાન પર આક્રમક રમત અને સામસામેની ટક્કર માટે જાણીતી છે. જોકે, અશ્વિને ભારતીય ટીમને સલાહ આપી કે સામેની ટીમના ડ્રેસિંગ રૂમમાં શું ચાલી રહ્યું છે તેની ચિંતા કરતાં પોતાની ટીમની સમસ્યાઓ પર ધ્યાન આપવું વધુ જરૂરી છે. તેમના મતે ભારત શ્રેણીમાં કેવું પ્રદર્શન કરશે તે શરૂઆતની મેચોમાં ટીમ કેવી રીતે રમે છે તેના પર નિર્ભર રહેશે.
શું હતો 2018નો સેન્ડપેપર કાંડ?
2018માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે ચેડાં કરવાનો વિવાદ સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના કેમેરોન બેન્ક્રોફ્ટને સેન્ડપેપરથી બોલની સપાટી સાથે ચેડાં કરતાં પકડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કડક કાર્યવાહી કરી હતી. તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે બેન્ક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. તાજેતરમાં ઉસ્માન ખ્વાજાના પુસ્તક અને બેન્ક્રોફ્ટના નિવેદનોને કારણે આ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે. બેન્ક્રોફ્ટે દાવો કર્યો હતો કે બોલ ટેમ્પરિંગની યોજના વિશે ટીમના અન્ય ખેલાડીઓને પણ જાણ હતી.
વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમને જવાબદાર ન ગણો: અશ્વિન
અશ્વિને 2018ની ઘટના માટે વર્તમાન ઓસ્ટ્રેલિયન ટીમને જવાબદાર ન ઠેરવવાની વાત કરી હતી. તેમના મતે ભૂલ કરવી માનવીય સ્વભાવ છે, પરંતુ ભૂલ સ્વીકારીને આગળ વધવું જરૂરી છે. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પણ પ્રશંસા કરી હતી કે બોર્ડે પોતાના કેપ્ટન અને વાઇસ કેપ્ટર સામે કાર્યવાહી કરીને ટીમના નેતૃત્વની જવાબદારીનો સંદેશ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર મેથ્યુ હેડને પણ કહ્યું હતું કે આખરે મેદાન પરની ક્રિકેટ જ સૌથી મહત્ત્વની રહેશે. જ્યારે ઇરફાન પઠાણે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને જૂના વિવાદ અંગે વારંવાર જવાબ આપવાને બદલે આગળ વધવાની સલાહ આપી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે. આ શ્રેણી 21 જાન્યુઆરીથી 3 માર્ચ 2027 દરમિયાન ભારતનાં પાંચ અલગ-અલગ શહેરોમાં યોજાશે.
આ પણ વાંચો: Team India પર બહાર થવાનું જોખમ, એક હાર અને નેપાળની જીત બગાડી શકે છે ખેલ !