પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર સામે આવ્યા છે.ટીમે લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળતા મેળવી છે.શ્રીલંકા સામે રમાયેલી 2 ટેસ્ટ મેચની સિરીઝ પાકિસ્તાને 1-0થી પોતાના નામે કરી છે.સિરીઝની પ્રથમ મેચ ડ્રો રહી હતી.જ્યારે બીજી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી.જોકે, શ્રીલંકા સામેની આ જીત છતાં પાકિસ્તાનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCના પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો નથી.ટીમ હજુ પણ સૌથી છેલ્લા સ્થાને છે.બીજી તરફ,આ હારને કારણે શ્રીલંકાના પોઈન્ટ્સ પર પણ અસર પડી છે.

બીજી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટે જીત મેળવી

શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં પાકિસ્તાને 8 વિકેટે જીત મેળવીને સિરીઝ 1-0થી જીતી લીધી હતી.મેચની પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાની ટીમ માત્ર 98 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ત્યારબાદ પાકિસ્તાને પોતાની પ્રથમ ઇનિંગમાં 325 રન બનાવીને મજબૂત સરસાઈ મેળવી હતી.શ્રીલંકાએ બીજી ઇનિંગમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ટીમ 316 રનમાં સમેટાઈ ગઈ હતી.આથી પાકિસ્તાનને જીતવા માટે માત્ર 90 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.પાકિસ્તાને 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

બાબર આઝમનું બેટ શાંત રહ્યું

આ ટેસ્ટ સિરીઝમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પાસેથી સારા પ્રદર્શનની આશા હતી,પરંતુ તેમનું બેટ ખાસ ચાલી શક્યું નહોતું.બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં બાબર માત્ર 8 રન બનાવીને આઉટ થયા હતા.બીજી ઇનિંગમાં પાકિસ્તાને 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હોવાથી બાબરને બેટિંગ કરવાની તક મળી નહોતી.સિરીઝની પ્રથમ ટેસ્ટમાં બાબરે પહેલી ઇનિંગમાં 50 રન બનાવ્યા હતા.જ્યારે બીજી ઇનિંગમાં તેઓ 34 રન બનાવીને આઉટ થયા હતા.આમ,બે ટેસ્ટ મેચમાં તેઓ માત્ર એક અડધી સદી ફટકારી શક્યા હતા.

બે વર્ષ બાદ પાકિસ્તાને ટેસ્ટ સિરીઝ જીતી

પાકિસ્તાને લગભગ બે વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ જીતવાનો સ્વાદ ચાખ્યો છે.આ પહેલાં ટીમે ઓક્ટોબર 2024માં ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ જીતી હતી.ત્યારબાદ ટીમને સતત નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.શ્રીલંકા સામેની જીતથી પાકિસ્તાનનો આ હારનો સિલસિલો અટક્યો છે.જોકે,આ જીતથી WTCના પોઈન્ટ ટેબલમાં ટીમની સ્થિતિમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

https://x.com/ICC/status/2123672458368848314?a=upsPf2OF0enK8iV5XLc&s=20

WTC પોઈન્ટ ટેબલમાં શું ફેરફાર થયો?

શ્રીલંકા સામેની જીત બાદ પાકિસ્તાનની પોઈન્ટ્સ ટકાવારી એટલે કે PCTમાં વધારો થયો છે.મેચ પહેલાં પાકિસ્તાનનો PCT 3.33 હતો.જે હવે વધીને 12.12 થઈ ગયો છે.જોકે આ સુધારા છતાં પાકિસ્તાન 9મા અને છેલ્લા સ્થાને યથાવત છે.બીજી તરફ, શ્રીલંકાને આ હારથી નુકસાન થયું છે. ટીમનો PCT 15.48થી ઘટીને 13.54 થઈ ગયો છે.જોકે,શ્રીલંકા હજુ પણ 8મા સ્થાને છે.આ બંને ટીમો માટે WTC ફાઇનલમાં પહોંચવાની શક્યતાઓ હવે સમાપ્ત થઈ ગઈ છે.બીજી તરફ,દક્ષિણ આફ્રિકા 75ના PCT સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.

આ પણ વાંચો- India vs Pakistan વચ્ચે ફરી મહાજંગ! જાણો ક્યારે અને કેટલા વાગ્યે શરૂ થશે મેચ