પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને 1992ના વર્લ્ડ કપ વિજેતા ખેલાડી આકિબ જાવેદ હાલમાં પોતાની કોઈ ક્રિકેટ સિદ્ધિ નહીં, પરંતુ પુત્રી ઉકબા આકિબના લગ્નને કારણે ચર્ચામાં આવ્યા છે. 9 ઓગસ્ટના રોજ બ્રિટનમાં આયોજિત એક ખાનગી સમારોહમાં ઉકબાએ પોતાના મંગેતર સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થતાં જ પાકિસ્તાની કટ્ટરપંથીઓ અને સોશિયલ મીડિયા યૂઝર્સે દુલ્હનને નિશાન બનાવી છે.
વેસ્ટર્ન વ્હાઇટ ગાઉન અને ટેટૂઝ બન્યા વિવાદનું કારણ
આ ખાસ દિવસે ઉકબાએ પરંપરાગત પાકિસ્તાની લહેંગા કે લાલ દુપટ્ટાને બદલે આધુનિક પશ્ચિમી શૈલીનું સુંદર સફેદ બ્રાઇડલ ગાઉન પહેર્યું હતું, જ્યારે વરરાજા ફોર્મલ સૂટમાં નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયા પર આ તસવીરો આવતા જ ટ્રોલ્સે ભારે હોબાળો મચાવ્યો. કેટલાક ટ્રોલ્સે આરોપ લગાવ્યો કે સફેદ ગાઉન પહેરીને ઉકબાએ મુસ્લિમ સંસ્કૃતિ અને પરંપરાઓનો અનાદર કર્યો છે. ફોટોગ્રાફ્સમાં દુલ્હનના શરીર પર દેખાતા ટેટૂઝને લઈને પણ લોકોએ ધાર્મિક ધોરણોના ઉલ્લંઘનનું કારણ ધ ધરીને ટીકા કરી. વાયરલ વીડિયોમાં આકિબ જાવેદ પોતાની પુત્રીનો હાથ પકડીને ચર્ચ શૈલીમાં વેન્યુ તરફ લઈ જતા દેખાયા, જેને લઈને યૂઝર્સે કટાક્ષ કર્યો કે વિદેશ જતા જ લોકો અંગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત થઈ જાય છે.
આકિબ જાવેદ પણ ટ્રોલર્સના નિશાને
માત્ર પુત્રી જ નહીં, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ડિરેક્ટર તરીકે સેવા આપતા આકિબ જાવેદ પર પણ લોકોએ ગુસ્સો ઠાલવ્યો હતો. ટીકાકારોનું માનવું હતું કે આવા ઉચ્ચ રાષ્ટ્રીય પદ પર બેઠેલી વ્યક્તિએ પોતાના બાળકોને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવું જોઈએ, અને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવવાની છૂટ આપીને પાકિસ્તાની ઓળખ નબળી પાડી છે.
માતા ફરઝાના આકિબે શેર કરી યાદો
આ વિવાદ વચ્ચે આકિબ જાવેદની પત્ની, પ્રખ્યાત કવિ અને લેખિકા ફરઝાના આકિબે સોશિયલ મીડિયા પર લગ્નની સુંદર તસવીરો શેર કરી હતી. તેમણે નવદંપતીને આશીર્વાદ આપતા લખ્યું, "અલહમદુલિલ્લાહ! અમારી પુત્રીએ 9 ઓગસ્ટે યુકેમાં લગ્ન કર્યા છે. આ નવી સફર બંને પરિવારો માટે અદ્ભુત રહે." જોકે, મિત્રો અને ચાહકોની શુભેચ્છાઓ વચ્ચે ઉગ્રવાદીઓની ટિપ્પણીઓએ માહોલમાં વિવાદ ઊભો કર્યો.
https://www.instagram.com/reel/Db5uDeINfL8/?utm_source=ig_web_button_share_sheet
કોણ છે ઉકબા આકિબ?
વિવાદો વચ્ચે ચર્ચામાં આવેલી ઉકબા આકિબ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે ઉચ્ચ શિક્ષિત મહિલા છે. તેણે યુકેની પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓફ સસેક્સમાંથી મીડિયા અને આંતરરાષ્ટ્રીય પત્રકારત્વમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. લાંબા સમયથી બ્રિટનમાં રહેવાના કારણે તેની જીવનશૈલી આધુનિક રહી છે.
આકિબ જાવેદની ક્રિકેટ કારકિર્દી
આકિબ જાવેદ 1992ના વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાની સ્ક્વોડના મેઈન બોલર હતા. તેમણે 1988 થી 1998 દરમિયાન 22 ટેસ્ટ અને 163 વનડે રમી છે, જેમાં ભારત સામે વનડેમાં હેટ્રિક લેવાનો તેમનો રેકોર્ડ ઇતિહાસમાં નોંધાયેલો છે. હાલ તેઓ PCB સાથે જોડાયેલા છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે પાકિસ્તાની સમાજમાં સેલિબ્રિટીઓ કે તેમના પરિવાર દ્વારા પરંપરાગત રીતિ-રિવાજોથી સહેજ પણ ફેરફાર કરવામાં આવે ત્યારે ત્યાં કેવા પ્રકારનો તીવ્ર વિવાદ સર્જાતો હોય છે.
આ પણ વાંચો : Team India ગાલે ટેસ્ટમાં 3 લેફ્ટ સ્પિનર્સને કરશે સામેલ, બોલિંગ કોચે આપી હિન્ટ