ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે. પેટ કમિન્સની કેપ્ટનશિપ હેઠળ રમતી ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત મેળવીને શ્રેણીની સારી શરૂઆત કરી હતી. જોકે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ જોરદાર વાપસી કરીને સતત 2 મેચ જીતી લીધી હતી અને શ્રેણી પોતાના નામે કરી હતી.આ હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રદર્શન સામે અનેક સવાલો ઊભા થયા છે. ટીમની બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં નબળાઈ જોવા મળી હતી. કેપ્ટન પેટ કમિન્સ પણ 50 ઓવર બોલિંગ કરવા છતાં એક પણ વિકેટ મેળવી શક્યો નહોતો. ઓપનિંગ જોડી નિષ્ફળ રહી હતી, જ્યારે માર્નસ લાબુશેનનું પ્રદર્શન પણ અપેક્ષા પ્રમાણે રહ્યું નહોતું. હવે આ હાર બાદ ખુદ કેપ્ટન પેટ કમિન્સે ટીમમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે

ભારત પ્રવાસ પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમમાં થશે ફેરફાર?

ઓસ્ટ્રેલિયાને જાન્યુઆરીના અંતમાં ભારત સામે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણી રમવાની છે. જોકે, તે પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ ન્યૂઝીલેન્ડ સામે પણ ટેસ્ટ શ્રેણી રમશે. દક્ષિણ આફ્રિકા સામેના નબળા પ્રદર્શન બાદ ભારત પ્રવાસ પહેલાં ટીમમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.શ્રેણીમાં હાર બાદ પેટ કમિન્સે સ્વીકાર્યું હતું કે ટીમ સતત 2 મેચ હારી હોય ત્યારે ફેરફાર અંગે ચર્ચા થવી સ્વાભાવિક છે. તેણે કહ્યું કે ઓસ્ટ્રેલિયા એક મજબૂત ટીમ છે, પરંતુ ફરી એકવાર વિશ્વની નંબર-1 ટીમ બનવું હોય તો પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. કમિન્સના મતે ટીમની રમવાની રીતમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. આ ઉપરાંત કેટલાક ખેલાડીઓના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ટીમમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. તેના આ નિવેદન બાદ ભારત પ્રવાસ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં કયા ખેલાડીઓનું સ્થાન જોખમમાં છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.

https://x.com/mufaddal_vohra/status/2116583062507237602?a=VvhymQYgOtbv4QGnfYA&s=20


પ્રથમ દાવમાં સારી શરૂઆત છતાં ઓસ્ટ્રેલિયાની હાર

પેટ કમિન્સે દક્ષિણ આફ્રિકા સામેની હારનું વિશ્લેષણ કરતાં જણાવ્યું હતું કે પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમને 329 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયા મેચમાં મજબૂત સ્થિતિમાં હતું.જોકે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. લંચ સુધીમાં ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વિના 140 રન બનાવી લીધા હતા. આ મજબૂત શરૂઆતને કારણે મેચનું પાસું બદલાઈ ગયું હતું અને અંતે ઓસ્ટ્રેલિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.

WTC પોઇન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો

દક્ષિણ આફ્રિકા સામે સતત 2 ટેસ્ટ મેચ હારવાની અસર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર પણ પડી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હવે ત્રીજા સ્થાને સરકી ગઈ છે.બીજી તરફ દક્ષિણ આફ્રિકાની જીતનો ફાયદો ન્યૂઝીલેન્ડને થયો છે. WTC પોઇન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને છે, જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા સ્થાને પહોંચી ગઈ છે.હવે ઓસ્ટ્રેલિયા માટે ભારત સામેની આગામી ટેસ્ટ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. જો ટીમે WTCની ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખવી હોય તો પોતાના પ્રદર્શનમાં સુધારો કરવો પડશે. આવી સ્થિતિમાં પેટ કમિન્સના નેતૃત્વ હેઠળની ટીમમાં ભારત પ્રવાસ પહેલાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં.

આ પણ વાંચો - Rohit Sharma આ ટુર્નામેન્ટમાં કરશે વાપસી ,શું કોહલી પણ લેશે ભાગ!