પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક નિર્ણયને કારણે અબુધાબી T10 લીગમાં રમવા તૈયાર પાકિસ્તાની ક્રિકેટરોની મુશ્કેલી વધી ગઈ હતી. બોર્ડે વિદેશી ફ્રેન્ચાઇઝી લીગમાં રમવા માટે જરૂરી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવા સામે દરેક ખેલાડી દીઠ $10,000 એટલે કે આશરે ₹9.44 લાખની ફી માગી હતી. અબુધાબી T10 લીગની શરૂઆત 7 નવેમ્બરથી થવાની છે. ખેલાડીઓની પસંદગી માટે 30 સપ્ટેમ્બરે ડ્રાફ્ટ યોજાયો હતો. ડ્રાફ્ટ પૂરો થયા બાદ આયોજકોએ પાકિસ્તાની ખેલાડીઓના NOC માટે અરજી પણ કરી દીધી હતી. જોકે, PCBએ ટૂર્નામેન્ટ શરૂ થવાના થોડા દિવસ પહેલાં જ ફીની માગણી કરી હતી. તેના કારણે ફ્રેન્ચાઇઝીઓને વધારાની રકમ ચૂકવવી કે પછી પાકિસ્તાની ખેલાડીઓના સ્થાને બીજા ખેલાડીઓને પસંદ કરવા તે નક્કી કરવું મુશ્કેલ બન્યું હતું.
16 પાકિસ્તાની ખેલાડીઓની પસંદગી થઈ હતી
અબુધાબી T10ના ડ્રાફ્ટમાં 6માંથી 5 ટીમોએ કુલ 16 પાકિસ્તાની ખેલાડીઓને પસંદ કર્યા હતા. તેમાં નસીમ શાહ, શાદાબ ખાન, મોહમ્મદ આમિર, ફખર ઝમાન, ઇફ્તિખાર અહમદ અને ફહીમ અશરફ જેવા જાણીતા નામ સામેલ છે. યુએઈ બુલ્સે સૌથી વધુ 6 પાકિસ્તાની ખેલાડીઓને પોતાની ટીમમાં સ્થાન આપ્યું હતું. યુનાઇટેડ ટાઇગર્સે 5, એમિરેટ્સ ઇગલ્સે 3, રોયલ ડેઝર્ટ ચેમ્પિયન્સે 1 અને અરેબિયન એસિસે 1 ખેલાડી પસંદ કર્યો હતો. PCBની માગણીને કારણે આ ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં ભાગીદારી મુશ્કેલીમાં મુકાઈ હતી. કેટલીક ફ્રેન્ચાઇઝીઓ અન્ય ખેલાડીઓના વિકલ્પ પણ શોધવા લાગી હતી.
