15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ UAE સામે જે રીતે બેટિંગ કરી તેનાથી માત્ર ક્રિકેટપ્રેમીઓ જ નહીં, પરંતુ તેની પોતાની ટીમના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. 28 બોલમાં સદી અને 52 બોલમાં બેવડી સદી ફટકારનાર વૈભવે 53 બોલમાં અણનમ 204 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગ્સના કારણે ભારત Aએ 250 રનનો લક્ષ્યાંક માત્ર 14.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. હવે ભારત Aના કેપ્ટન તિલક વર્માએ વૈભવની આ તોફાની બેટિંગ અંગે એવી વાતો કહી છે, જેનાથી ડગઆઉટમાં ખેલાડીઓનો ઉત્સાહ કેટલો વધી ગયો હતો તેનો અંદાજ આવે છે.
વૈભવની બેટિંગને તિલકે ગણાવી તબાહી
UAE સામેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ કરેલી બેટિંગનું વર્ણન કરવા માટે તિલક વર્મા પાસે પણ શબ્દો નહોતા. તેમણે કહ્યું હતું કે વૈભવની ઇનિંગ્સ સંપૂર્ણપણે તબાહી મચાવનારી હતી. જે રીતે તેણે બેટિંગ કરી તે જોતાં મેચ પહેલા પાંચ ઓવરમાં જ પૂરી થઈ ગઈ હોય તેવું લાગતું હતું. તિલકના જણાવ્યા અનુસાર, ભારતે પ્રથમ પાંચ ઓવરમાં જ 100 રન બનાવી દીધા હતા. ત્યારબાદ પણ વૈભવે જે રીતે પોતાની બેટિંગ ચાલુ રાખી તે જોવાની ખૂબ જ મજા આવી હતી. તિલકે તેની ઇનિંગ્સને અદ્ભુત ગણાવી હતી અને કહ્યું હતું કે આ તેમની નજરે જોયેલી શ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હતી.
ડગઆઉટમાં ખેલાડીઓ કહેતા હતા- 'મારો, મારો, મારો'
તિલક વર્માએ વૈભવની બેટિંગ દરમિયાન ભારતીય ડગઆઉટમાં ખેલાડીઓની પ્રતિક્રિયા વિશે પણ રસપ્રદ ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક ખેલાડીને ખબર હતી કે વૈભવ કેટલી સારી રીતે છગ્ગા ફટકારી શકે છે. તેથી જ્યારે તે સતત આક્રમક બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ડગઆઉટમાં બધા ખેલાડીઓ તેને પ્રોત્સાહિત કરી રહ્યા હતા. તિલકે જણાવ્યું કે ખેલાડીઓ એક જ વાત બોલી રહ્યા હતા, 'મારો, મારો, મારો.' ખાસ વાત એ હતી કે જ્યારે બોલ બાઉન્ડરી તરફ જતો હતો ત્યારે પણ ખેલાડીઓ ચોગ્ગો થયો કે નહીં તે જોવાને બદલે છગ્ગો ગયો કે નહીં તે પૂછતા હતા. બધા એકબીજાને પૂછતા હતા, 'છગ્ગો માર્યો કે નહીં?' ડગઆઉટમાં બેઠેલા ખેલાડીઓ વૈભવની બેટિંગનો ભરપૂર આનંદ માણી રહ્યા હતા.
અર્શદ ખાનની બોલિંગનાં પણ કર્યા વખાણ
તિલક વર્માએ UAE સામે ચાર વિકેટ ઝડપનાર અર્શદ ખાનનાં પણ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે અર્શદે પોતાની પ્રથમ મેચમાં જ શાનદાર બોલિંગ કરી હતી, જે આગામી મેચો માટે ભારત Aની ટીમના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ પ્રદર્શનથી અર્શદનો આત્મવિશ્વાસ પણ વધશે. તિલકે ખાસ કરીને અર્શદની બોલિંગ કરવાની રીતની પ્રશંસા કરી હતી. બેટિંગ માટે અનુકૂળ પીચ હોવા છતાં તેણે બાઉન્સરનો સારો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પોતાની લાઇન અને લેન્થમાં ફેરફાર કરીને બોલિંગ કરી હતી. તિલકના મતે અર્શદની બોલિંગમાં સચોટતા જોવા મળી હતી અને તેના પ્રદર્શનનો શ્રેય તેને જ મળવો જોઈએ.
ભારત Aની જીતમાં બંને ખેલાડીઓનું યોગદાન
UAEએ પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 8 વિકેટે 249 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદ ખાને 10 ઓવરમાં 43 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારત Aએ માત્ર 14.2 ઓવરમાં 3 વિકેટે 254 રન બનાવીને 7 વિકેટે મેચ જીતી લીધી હતી.
વૈભવ સૂર્યવંશીએ 53 બોલમાં અણનમ 204 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. આ રીતે વૈભવની ઐતિહાસિક બેટિંગ અને અર્શદ ખાનની શાનદાર બોલિંગ ભારત Aની જીતનાં બે મોટાં કારણ બન્યાં હતાં.
આ પણ વાંચો: ICCના ક્રિકેટ કેલેન્ડરમાં મોટો ફેરફાર! આગામી ચાર વર્ષના કાર્યક્રમમાં વિલંબ