ભારતીય ક્રિકેટમાં વધુ એક પ્રતિભાશાળી ખેલાડીએ પોતાની બેટિંગથી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટર પ્રેમાં રાવતે મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતીય સિનિયર મહિલા T20 ટ્રોફીમાં ઉત્તરાખંડ તરફથી રમતી પ્રેમાંએ માત્ર 14 બોલમાં 50 રન પૂરા કરીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે તેણે પાકિસ્તાનની ખેલાડી ફાતિમા સનાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ખાસ વાત એ છે કે પ્રેમાં રાવત મુખ્યત્વે સ્પિન બોલર તરીકે ઓળખાય છે, પરંતુ આ મેચમાં તેણે પોતાની બેટિંગનો જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું.
માત્ર 14 બોલમાં ફટકારી અડધી સદી
ઉત્તરાખંડ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી ભારતીય સિનિયર મહિલા T20 ટ્રોફીની મેચમાં પ્રેમાં રાવતે આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરીને મહિલા T20 ક્રિકેટમાં નવો વિશ્વવિક્રમ બનાવ્યો હતો.પ્રેમાંએ પોતાની આ ઇનિંગ્સમાં 357.14ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. ખાસ વાત એ છે કે તેણે પોતાના 50 રનમાંથી 48 રન માત્ર ચોગ્ગા અને છગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેની આ વિસ્ફોટક બેટિંગ સામે હૈદરાબાદના બોલરો લાચાર જોવા મળ્યા હતા.
પાકિસ્તાની ખેલાડી ફાતિમા સનાનો રેકોર્ડ તોડ્યો
પ્રેમાં રાવત પહેલાં મહિલા T20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ પાકિસ્તાનની ફાતિમા સનાના નામે હતો. તેણે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે, હવે પ્રેમાંએ માત્ર 14 બોલમાં આ સિદ્ધિ મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આમ, પ્રેમાંએ એક બોલ ઓછામાં અડધી સદી પૂરી કરીને પાકિસ્તાની ખેલાડીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તેની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે પણ ગૌરવની ક્ષણ છે.
ઉત્તરાખંડે 89 રનથી મેળવી મોટી જીત
મેચની વાત કરીએ તો પ્રેમાં રાવતની તોફાની બેટિંગના આધારે ઉત્તરાખંડની ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. પ્રેમાં ઉપરાંત રાઘવી બિષ્ટે અણનમ 72 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. જ્યારે કરીનાએ 44 રન અને નીલમ ભારદ્વાજે 19 રનનું યોગદાન આપ્યું હતું.188 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમ 20 ઓવર પૂરી થયા બાદ માત્ર 98 રન જ બનાવી શકી હતી. આ રીતે ઉત્તરાખંડે 89 રનથી મોટી જીત મેળવી હતી.
બેટિંગ બાદ બોલિંગમાં પણ બતાવ્યો કમાલ
પ્રેમાં રાવતે માત્ર બેટિંગમાં જ નહીં, પરંતુ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની 4 ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે ઉત્તરાખંડની જીત વધુ આસાન બની હતી.પ્રેમાં ઉપરાંત નિશા અને સફીનાએ પણ 2-2 વિકેટ મેળવી હતી. જ્યારે પૂજા રાજ અને કરીનાને 1-1 વિકેટ મળી હતી.
ભારત માટે 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે
પ્રેમાં રાવત 24 વર્ષની ભારતીય સ્પિન બોલર છે. તેણે જૂન 2026માં દક્ષિણ આફ્રિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. અત્યાર સુધી તે ભારત માટે 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂકી છે, જેમાં તેના નામે 7 વિકેટ છે.તાજેતરમાં ઝિમ્બાબ્વે સામે રમાયેલી T20 શ્રેણીમાં પણ તે ભારતીય ટીમનો ભાગ હતી. હવે ઘરેલુ ક્રિકેટમાં માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારીને તેણે પોતાની બેટિંગ પ્રતિભાનો પરિચય આપ્યો છે. પ્રેમાંનું આ પ્રદર્શન આગામી સમયમાં ભારતીય મહિલા ક્રિકેટ માટે મહત્વનું સાબિત થઈ શકે છે.