ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન પૃથ્વી શૉ પોતાની પર્સનલ લાઇફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે પૃથ્વી શૉને મોટો ઝટકો લાગ્યો છે. પૃથ્વીની મંગેતર આકૃતિ અગ્રવાલે બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો હોવાની માહિતી શેર કરી છે. અગાઉ બંનેના સંબંધો તૂટવાની અફવાઓ આવી હતી, પરંતુ તેને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું ન હતું. પરંતુ હવે આકૃતિ અગ્રવાલે સ્પષ્ટ કરી દીધું છે કે, પૃથ્વી શૉ સાથેનો તેનો સંબંધ પૂરો થઈ ગયો છે.
અલગ થવાનો નિર્ણય
આકૃતિ અગ્રવાલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે , ખૂબ જ ભારે હૃદય સાથે હું એ વાત શેર કરવા માંગુ છું કે, મારા મંગતર S અને મેં અલગ થવાનો નિર્ણય કર્યો છે, કારણ કે અમારા લક્ષ્યો અને ભવિષ્યની પરિસ્થિતિઓ અલગ-અલગ છે. તેણે વધુમાં લખ્યું હતું કે, જોકે અમે એકબીજાની ખૂબ કાળજી રાખીએ છીએ અને પ્રેમ કરીએ છીએ, પરંતુ હવે અમે સ્વીકારી લીધું છે કે અમારી જવાબદારીઓ અને સંજોગો તદ્દન અલગ છે. અમે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હું બંનેના જીવનમાં શાંતિ, ખુશી અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરું છું. અમે હવે આગળ વધી ચૂક્યા છીએ.

અગાઉ ઊડી હતી બ્રેકઅપની અફવા
આ અગાઉ આકૃતિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, તેને ઘણી વખત દગો મળ્યો છે. આના પરથી અટકળો લગાવવામાં આવી રહી હતી કે પૃથ્વી અને આકૃતિનો સંબંધ તૂટી ગયો છે. જો કે સત્તાવાર જાહેરાત થવાની બાકી હતી, પરંતુ હવે આકૃતિએ બધું જ સ્પષ્ટ કરી દીધું છે.

કોણ છે આકૃતિ અગ્રવાલ?
આકૃતિ વ્યવસાયે એક અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે યુટ્યુબ પર વ્લોગ્સ અને શોર્ટ વીડિયો બનાવીને લોકપ્રિય બની હતી. તેણે તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ 'ત્રિમુખા'માં કામ કર્યું હતું. 8 માર્ચ 2026 ના રોજ બંનેની સગાઈ થઈ હતી. પૃથ્વીએ પોતાના સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પણ શેર કરી હતી. જો કે માત્ર 6 મહિનાની અંદર જ બંને અલગ થઈ ગયા.
ક્રિકેટ કારકિર્દી પણ મુશ્કેલીમાં
પૃથ્વી હાલમાં ભારતીય ટીમથી દૂર ચાલી રહ્યો છે. તેણે વર્ષ 2018 માં પોતાની કપ્તાની હેઠળ ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડ્યો હતો. તે જ વર્ષે તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત માટે પોતાના ડેબ્યૂ ટેસ્ટ મેચમાં શતક પણ ફટકાર્યું હતું. શૉને આજકાલ ભારતીય ટીમમાં તક મળી રહી નથી, જેનું મુખ્ય કારણ તેનું ખરાબ ફોર્મ રહ્યું છે. બીજી બાજુ, ઘરેલુ ક્રિકેટમાં પણ તેણે ઘણા ફેરફારો કર્યા છે, અને વર્ષ 2025 માં મુંબઈનો સાથ છોડીને મહારાષ્ટ્ર માટે રમવાનું શરૂ કર્યું હતું. IPL 2026 માં દિલ્હી કેપિટલ્સે તેને 75 લાખમાં ખરીદ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.