IPL 2027ની હરાજી પહેલાં દિલ્હી કેપિટલ્સની ટીમમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આ દરમિયાન ભારતના પૂર્વ ક્રિકેટર અને જાણીતા ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ દિલ્હી કેપિટલ્સને એક મોટી સલાહ આપી છે. તેણે ટીમને યુવા બેટર પૃથ્વી શૉને છૂટો કરવાની સલાહ આપતાં કહ્યું છે કે જો તેને રમાડવો જ ન હોય તો તેને ટીમમાં રાખીને તેનો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. ચોપરાના આ નિવેદન બાદ પૃથ્વી શૉના IPL ભવિષ્યને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. 

₹75 લાખમાં ખરીદ્યો, છતાં એક પણ મેચ ન રમાડ્યો

પૃથ્વી શૉ માટે IPL 2026ની સિઝન ઘણી નિરાશાજનક રહી હતી. દિલ્હી કેપિટલ્સે તેને હરાજીમાં તેની મૂળ કિંમત ₹75 લાખમાં ખરીદ્યો હતો. આ સાથે જ તેની દિલ્હી ટીમમાં વાપસી થઈ હતી. તે અગાઉ 2018થી 2024 સુધી આ જ ટીમનો ભાગ રહ્યો હતો. જોકે, IPL 2026માં ટીમે તેને એક પણ મેચમાં રમવાની તક આપી નહોતી. આખી સિઝન દરમિયાન તે બહાર બેઠો રહ્યો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને આકાશ ચોપરાએ કહ્યું કે જો દિલ્હી કેપિટલ્સને પૃથ્વી શૉને રમાડવાની ઇચ્છા હોય તો તેને ટીમમાં રાખવો જોઈએ, પરંતુ જો તેને તક આપવાની જ ન હોય તો છૂટો કરી દેવો જોઈએ. ચોપરાના મતે, ₹75 લાખમાં ખેલાડીને ટીમમાં રાખીને એક પણ મેચ ન રમાડવી તેના માટે સમય બગાડવા જેવું છે. તેને બીજી ટીમમાં રમવાની તક મળે તે માટે દિલ્હી કેપિટલ્સે નિર્ણય લેવો જોઈએ. 

અકિબ નબી પર પણ ચોપરાએ ઉઠાવ્યા સવાલ

આકાશ ચોપરાએ માત્ર પૃથ્વી શૉ જ નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સના ઝડપી બોલિંગ વિભાગ પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેણે ₹8.40 કરોડમાં ખરીદાયેલા અકિબ નબીને પણ છૂટો કરવાની સલાહ આપી છે. ચોપરાના જણાવ્યા પ્રમાણે અકિબ નબીને છોડવાથી ટીમ પાસે મોટી રકમ ઉપલબ્ધ થશે, જેનો ઉપયોગ અન્ય સારા ખેલાડીઓ ખરીદવા અથવા ટ્રેડ દ્વારા ટીમને મજબૂત બનાવવા માટે થઈ શકે છે. તેણે કહ્યું કે દિલ્હી પાસે ભારતીય ઝડપી બોલરોના વિકલ્પો ઓછા છે. મુકેશ કુમાર, અકિબ નબી અને માધવ તિવારી સિવાય ઝડપી બોલિંગમાં ટીમને વધુ મજબૂત ખેલાડીઓની જરૂર છે. 

ગુજરાત અને લખનઉ સાથે ટ્રેડ કરવાની સલાહ

ચોપરાએ દિલ્હી કેપિટલ્સને ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ખેલાડીઓની અદલાબદલી અંગે વાતચીત કરવાની પણ સલાહ આપી છે. તેના મતે આ બંને ટીમો પાસે સારા ઝડપી બોલરો છે અને તેમને મધ્યક્રમના બેટરોની જરૂર છે.

આવી સ્થિતિમાં દિલ્હી પોતાની પાસેના મધ્યક્રમના બેટરો આપીને સારા ઝડપી બોલરો મેળવી શકે છે. ચોપરાનું માનવું છે કે આગામી સિઝન પહેલાં દિલ્હીએ પોતાની ઝડપી બોલિંગની નબળાઈ દૂર કરવી જરૂરી છે. 

આ પણ વાંચો: Suryakumar Yadavની ચમકી કિસ્મત, ફરી મળી કેપ્ટનશિપ !