પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 12મી સિઝનની તારીખો જાહેર થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અનુસાર PSL 12નું આયોજન 18 માર્ચથી 2 મે 2027 દરમિયાન કરવામાં આવશે. આ સાથે સતત બીજી સિઝનમાં લીગમાં 8 ટીમો રમશે.
8 ટીમો સાથે બીજી સિઝન
PSLમાં 8 ટીમોનું ફોર્મેટ પહેલી વખત 2026ની સિઝનમાં લાગુ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદ કિંગ્સમેન અને રાવલપિંડી ફ્રેન્ચાઇઝીના ઉમેરા બાદ લીગમાં ટીમોની સંખ્યા 6થી વધીને 8 થઈ હતી. હવે PSL 12માં પણ આ જ ફોર્મેટ ચાલુ રહેશે. PSL 11માં બીજો મોટો બદલાવ પણ જોવા મળ્યો હતો. લીગના ઈતિહાસમાં પહેલી વખત પ્લેયર ડ્રાફ્ટની જગ્યાએ પ્લેયર ઓક્શન યોજાયું હતું. 2027ની સિઝન માટે પણ ટીમ બિલ્ડિંગની પ્રક્રિયામાં ઓક્શન મહત્વનું રહેશે.
IPL સાથે ફરી ટક્કર
PSL 12ની તારીખો માર્ચથી મે વચ્ચે રાખવામાં આવી છે. આ સમયગાળામાં સામાન્ય રીતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું પણ આયોજન થાય છે. એટલે 2027માં પણ PSL અને IPLના કાર્યક્રમમાં ટક્કર જોવા મળવાની શક્યતા છે. જોકે IPL 2027નું સંપૂર્ણ શેડ્યૂલ હજુ જાહેર થયું નથી. આ ટક્કરનો સૌથી મોટો મુદ્દો વિદેશી ખેલાડીઓ અને ક્રિકેટ સ્ટાફની ઉપલબ્ધતા રહેશે, કારણ કે ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ બંને લીગમાંથી પસંદગી કરતા હોય છે.
હવે ઓક્શન સહિત આ પ્રક્રિયા થશે
PCBએ જણાવ્યું છે કે તારીખો નક્કી થયા બાદ હવે PSL 12 માટેની ટીમ બિલ્ડિંગ પ્રક્રિયા આગળ વધશે. તેમાં ડાયરેક્ટ સાઇનિંગ, ખેલાડીઓનું રિટેન્શન, ટ્રેડ વિન્ડો અને પ્લેયર ઓક્શનનો સમાવેશ થાય છે. આ તમામ પ્રક્રિયાની ચોક્કસ તારીખો પછીથી જાહેર કરવામાં આવશે. સંપૂર્ણ મેચ શેડ્યૂલ, મેચ માટેના સ્થળો અને ટિકિટિંગ અંગેની માહિતી પણ PCB બાદમાં જાહેર કરશે.
PSL 11માં પેશાવર ઝાલ્મી ચેમ્પિયન
2026માં રમાયેલી PSL 11ની ફાઇનલમાં પેશાવર ઝાલ્મીએ હૈદરાબાદ કિંગ્સમેનને 5 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ સાથે પેશાવર ઝાલ્મીએ 9 વર્ષ બાદ ફરી PSL ટ્રોફી પોતાના નામે કરી હતી. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઇનલમાં 32,461 દર્શકો હાજર રહ્યા હતા, જે PSL ફાઇનલનો રેકોર્ડ દર્શક આંકડો હતો.
PCB અધ્યક્ષે કહ્યું- PSL 12 વધુ મોટી બનાવશું
PCB અધ્યક્ષ મોહસિન નકવીએ કહ્યું કે PSL 11માં લીગે રેકોર્ડ દર્શકો અને રેકોર્ડ બ્રોડકાસ્ટ સાથે પોતાની ક્ષમતા બતાવી છે. તેમના જણાવ્યા મુજબ PSL 12ને પણ વધુ ઊંચા સ્તરે લઈ જવાનો પ્રયાસ કરવામાં આવશે. PSLના CEO સલમાન નસિરે પણ કહ્યું કે 2027ની સિઝન માટેની આ માત્ર શરૂઆત છે. હવે ડાયરેક્ટ સાઇનિંગ, રિટેન્શન, ટ્રેડ વિન્ડો અને ઓક્શન બાદ ટીમોની તસવીર સ્પષ્ટ થશે.
PSL 12ની 8 ટીમો: હૈદરાબાદ કિંગ્સમેન, ઈસ્લામાબાદ યુનાઈટેડ, કરાચી કિંગ્સ, લાહોર કલંદર્સ, મુલ્તાન સુલ્તાન્સ, પેશાવર ઝાલ્મી, ક્વેટા ગ્લેડિયેટર્સ અને રાવલપિંડી.
આ પણ વાંચો: IPL 2027 પહેલા પંજાબ કિંગ્સને મોટો ઝટકો, રિકી પોન્ટિંગના 2 ખાસ કોચે છોડ્યો સાથ