IPL 2027ની તૈયારીઓ વચ્ચે પંજાબ કિંગ્સે પોતાની કોચિંગ ટીમ મજબૂત કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. ભારતના પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે પંજાબ કિંગ્સ સાથે જોડાઈ શકે છે. અહેવાલો અનુસાર, બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે અને મ્હામ્બ્રેને ટીમના નવા બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી શકે છે. જોકે, હજુ સુધી તેમની નિમણૂક અંગે અંતિમ નિર્ણય લેવાયો નથી. મ્હામ્બ્રે તાજેતરમાં પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સથી અલગ થયા હતા. મુંબઈએ પોતાની કોચિંગ ટીમમાં મોટા ફેરફાર કરતાં મ્હામ્બ્રે અને લસિથ મલિંગા સાથેનો સંબંધ પૂર્ણ કર્યો હતો. હવે પંજાબ કિંગ્સ તેમને પોતાની ટીમમાં સામેલ કરવા માગે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ, મ્હામ્બ્રેએ મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સહિત પંજાબના મેનેજમેન્ટ સાથે ચર્ચા પણ કરી છે.

જેમ્સ હોપ્સની જગ્યાએ મળી શકે જવાબદારી

પંજાબ કિંગ્સે IPL 2026 બાદ પોતાના કોચિંગ સ્ટાફમાં ફેરફાર કર્યા છે. ટીમે બોલિંગ કોચ જેમ્સ હોપ્સ અને ફિલ્ડિંગ કોચ બ્રેડ હેડિન સાથેનો કરાર આગળ વધાર્યો નથી. સ્પિન બોલિંગ કોચ સાયરાજ બહુતુલેએ પણ ટીમ છોડીને ભારતીય પુરુષ ટીમના સ્પિન બોલિંગ કોચની જવાબદારી સંભાળી છે. આથી પંજાબને બોલિંગ વિભાગમાં અનુભવી કોચની જરૂર છે. મ્હામ્બ્રે આ ખાલી જગ્યા માટે મજબૂત વિકલ્પ બની શકે છે. તેમની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPL બંનેનો અનુભવ છે. 

ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા

પારસ મ્હામ્બ્રે 2022થી 2024 દરમિયાન રાહુલ દ્રવિડના મુખ્ય કોચપદ હેઠળ ભારતીય ટીમના બોલિંગ કોચ રહ્યા હતા. આ સમયગાળામાં ભારતીય બોલિંગ આક્રમણને મજબૂત બનાવવામાં તેમનો ફાળો રહ્યો હતો. 2024ના T20 વર્લ્ડ કપમાં ભારતે ખિતાબ જીત્યો ત્યારે તેઓ ટીમના કોચિંગ સ્ટાફનો ભાગ હતા. મ્હામ્બ્રે અગાઉ પણ મુંબઈ ઇન્ડિયન્સ સાથે કામ કરી ચૂક્યા છે. વર્ષ 2015ની આસપાસ તેમની પ્રથમ જવાબદારી શરૂ થઈ હતી. તે સમયે રિકી પોન્ટિંગ મુંબઈના મુખ્ય કોચ હતા. 2024ના T20 વર્લ્ડ કપ બાદ તેઓ ફરી મુંબઈ સાથે જોડાયા હતા. એટલે પોન્ટિંગ સાથે કામ કરવાનો તેમને પહેલેથી અનુભવ છે. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા સાથે પણ તેઓ અગાઉ કામ કરી ચૂક્યા છે.

ફિલ્ડિંગ કોચ માટે પણ નવા નામની ચર્ચા

પંજાબ કિંગ્સ માત્ર બોલિંગ વિભાગ જ નહીં, ફિલ્ડિંગ કોચની જગ્યા પણ ભરવા માગે છે. ચેન્નઈ સુપર કિંગ્સ છોડનારા પૂર્વ ઝારખંડ ક્રિકેટર રાજીવ કુમારનું નામ આ જવાબદારી માટે ચર્ચામાં છે. જોકે, તેમની નિમણૂક પણ હજુ નક્કી થઈ નથી.

બંને નિમણૂકો અંગે અંતિમ નિર્ણય મુખ્ય કોચ રિકી પોન્ટિંગ લેવાના છે. જો મ્હામ્બ્રે પંજાબ સાથે જોડાય છે તો ટીમને ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ ધરાવતા કોચનો સાથ મળશે. હવે જોવાનું એ રહેશે કે પોન્ટિંગની નવી કોચિંગ ટીમ IPL 2027માં પંજાબને પ્રથમ ખિતાબ અપાવવામાં કેટલી સફળ રહે છે.

આ પણ વાંચો: BCCIનો મોટો નિર્ણય! હૉંગકૉંગ સિક્સર્સમાંથી મળેલી રકમ દિવ્યાંગ ક્રિકેટરો માટે દાન કરશે