ભારતમાં રણજી ટ્રોફી 2026-27ની શરૂઆત થઈ ગઈ છે. પ્રથમ દિવસની રમતમાં ભારતીય ક્રિકેટના જાણીતા ખેલાડીઓનું પ્રદર્શન અલગ-અલગ રહ્યું હતું. મોહમ્મદ શમીએ બંગાળ તરફથી રમતાં દિલ્હી સામે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે સૌરાષ્ટ્ર તરફથી રમી રહેલા રવિન્દ્ર જાડેજાએ અણનમ 72 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. બીજી તરફ યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.
શમીએ 4 વિકેટ લઈને દિલ્હીને ઝટકા આપ્યા
બંગાળ તરફથી રમતા મોહમ્મદ શમીએ દિલ્હી સામે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. શમીએ યશ ધુલ, આયુષ દોસેજા, હૃતિક શોકીન અને દિવિજ મેહરાને આઉટ કર્યા હતા. દિલ્હીની ટીમ પ્રથમ ઈનિંગમાં 77.3 ઓવરમાં 240 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હી તરફથી હૃતિક શોકીને 98 બોલમાં 56 રન બનાવ્યા હતા. બંગાળ તરફથી આકાશ દીપે 2 અને અમીર ગનીએ 3 વિકેટ ઝડપી હતી. શમીનું આ પ્રદર્શન ભારતીય ટીમમાં વાપસીની આશા રાખતા તેના માટે મહત્વનું બની શકે છે.
જાડેજાની અણનમ 72 રનની ઈનિંગ
સૌરાષ્ટ્ર તરફથી રમતા રવિન્દ્ર જાડેજાએ બેટિંગમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં સૌરાષ્ટ્રે દિવસના અંતે 4 વિકેટે 308 રન બનાવ્યા હતા. જાડેજા 72 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેની સાથે પ્રેરક માંકડે પણ શાનદાર બેટિંગ કરી હતી. માંકડ 92 રન બનાવીને અણનમ હતો. આ પહેલાં ઓપનર ચિરાગ જાનીએ 83 રનની ઉપયોગી ઈનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. આ પ્રદર્શનના આધારે સૌરાષ્ટ્ર બીજા દિવસે મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે.
જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના આઉટ
મુંબઈ તરફથી રમતા યશસ્વી જયસ્વાલ માટે પ્રથમ દિવસ નિરાશાજનક રહ્યો હતો. ચંડીગઢ સામે ઓપનિંગ કરવા ઉતરેલો જયસ્વાલ 13 બોલનો સામનો કર્યા બાદ એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. જયસ્વાલને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ત્રણેય મેચમાં રમવાની તક મળી નહોતી. હવે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરીને તે પોતાની લય પાછી મેળવવાનો પ્રયાસ કરશે.
કેએલ રાહુલ પણ માત્ર 4 રન બનાવી શક્યો
કર્ણાટક તરફથી રમતા કેએલ રાહુલ પણ પ્રથમ દિવસે ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. આંધ્ર સામેની મેચમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. ઝડપી બોલર કાવુરી સાઈ તેજા અને કે.વી. શશિકાંતે શરૂઆતમાં જ વિકેટો મેળવીને કર્ણાટક પર દબાણ વધાર્યું હતું. રાહુલ તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝમાં સારા ફોર્મમાં હતો. તેણે પોતાની એકમાત્ર ઈનિંગમાં 82 બોલમાં અણનમ સદી ફટકારી હતી. જોકે, રણજી ટ્રોફીની શરૂઆતમાં તે આ ફોર્મ જાળવી શક્યો નહોતો.
શુભમન ગિલ પ્રથમ મેચમાં ગેરહાજર
ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ પંજાબની પ્રથમ રણજી મેચમાં રમ્યો નહોતો. પંજાબની ટીમ ન્યૂ ચંડીગઢમાં આસામ સામે રમી રહી હતી. અહેવાલ મુજબ, ગિલ પંજાબની આગામી મેચમાં છત્તીસગઢ સામે રમે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Abhishek Sharmaએ રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી T20 ઈન્ટરનેશનલમાં 2,000 રન પૂરા કર્યા