રણજી ટ્રોફી 2026-27માં બંગાળે પોતાના અભિયાનની શરૂઆત દિલ્હીને 9 વિકેટે હરાવીને કરી છે. કલ્યાણીમાં રમાયેલી ગ્રુપ Cની મેચના ચોથા અને અંતિમ દિવસે બંગાળે દિલ્હીની બીજી ઇનિંગ 277 રનમાં સમેટી દીધી હતી. ત્યારબાદ 89 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં બંગાળે માત્ર 15.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. બીજી તરફ, ગ્રુપ Cની જ અન્ય મેચમાં ગુજરાતે ઓડિશાને 10 વિકેટે હરાવીને શાનદાર શરૂઆત કરી હતી.

બંગાળની પ્રથમ ઇનિંગે જીતનો પાયો નાખ્યો

દિલ્હીએ પ્રથમ ઇનિંગમાં 240 રન બનાવ્યા હતા. તેના જવાબમાં બંગાળે સુદીપ ઘરામી અને અભિષેક પોરેલની સદીની મદદથી 429 રનનો મોટો સ્કોર નોંધાવ્યો હતો. ઘરામીએ 133 રન જ્યારે પોરેલે 149 રન બનાવ્યા હતા. આ રીતે બંગાળને પ્રથમ ઇનિંગમાં 189 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી, જે મેચમાં નિર્ણાયક સાબિત થઈ હતી.

કેપ્ટન આયુષ બદોનીની 85 રનની લડાયક ઇનિંગ

બીજી ઇનિંગમાં દિલ્હીએ દિવસની શરૂઆત 101 રન પર 3 વિકેટથી કરી હતી. ટીમને મોટો સ્કોર અપાવવા માટે કેપ્ટન આયુષ બદોનીએ સંઘર્ષપૂર્ણ બેટિંગ કરી હતી. તેણે 134 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 85 રન બનાવ્યા હતા. વિકેટકીપર બેટર અનુજ રાવતે 76 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું. યશ ધુલે 22 રન બનાવ્યા હતા, પરંતુ અન્ય બેટરો મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. બદોનીની વિકેટ 213 રનના સ્કોરે પડ્યા બાદ દિલ્હી પર દબાણ વધી ગયું હતું. અંતે ટીમની બીજી ઇનિંગ 106.2 ઓવરમાં 277 રને સમેટાઈ ગઈ હતી.

15.3 ઓવરમાં બંગાળે મેળવી જીત

દિલ્હીએ બંગાળ સામે જીત માટે 89 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. બંગાળના ઓપનર અંકુર પૉલે 41 બોલમાં 38 રન બનાવી ઝડપી શરૂઆત અપાવી હતી. કેપ્ટન અભિમન્યુ ઈશ્વરન 40 બોલમાં અણનમ 34 રન બનાવીને રહ્યો હતો, જ્યારે સુદીપ ઘરામી 12 બોલમાં અણનમ 16 રન સાથે પાછો ફર્યો હતો. બંગાળે 15.3 ઓવરમાં 89 રન બનાવીને 9 વિકેટે મેચ જીતી લીધી હતી.

ગુજરાતે પણ ઓડિશાને 10 વિકેટે હરાવ્યું

ગ્રુપ Cની અમદાવાદમાં રમાયેલી બીજી મેચમાં ગુજરાતે ઓડિશાને 10 વિકેટે હરાવ્યું હતું. ઓડિશાની બીજી ઇનિંગ 161 રનમાં સમેટાઈ હતી. ગુજરાતના ડાબોડી સ્પિનર સિદ્ધાર્થ દેસાઈએ 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. અર્ઝાન નાગવાસવાલાએ પણ બીજી ઇનિંગમાં 3 વિકેટ મેળવી હતી. ગુજરાતને જીત માટે માત્ર 47 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે ટીમે 9.3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ગુજરાતે બોનસ પોઇન્ટ પણ મેળવ્યો હતો. ઝારખંડ અને કેરળ વચ્ચેની ગ્રુપ Cની બીજી મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

આ પણ વાંચો: Prince William: બકિંગહામ પેલેસની બહાર જામી ગલી ક્રિકેટ, પ્રિન્સ વિલિયમ સાથે ક્રિકેટ રમ્યા ગાંગુલી અને રહાણે