રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) એક સમયે વિરાટ કોહલીને કેપ્ટનશીપ પરથી દૂર કરવાનો વિચાર કરી રહી હતી. જોકે, ટીમના સતત ખરાબ પ્રદર્શનનો ભોગ કોચિંગ સ્ટાફ બન્યો, જેના કારણે વિરાટની કેપ્ટનશીપ તો બચી ગઈ પરંતુ ટીમના જ એક અન્ય દિગ્ગજ ખેલાડીની આઈપીએલ કારકિર્દી અચાનક પૂર્ણ થઈ ગઈ.

પાર્થિવ પટેલનો મોટો ખુલાસો: કોચ નેહરા અને કર્સ્ટને આપી હતી કેપ્ટનશીપની ઓફર

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરા સાથેના પોડકાસ્ટમાં પાર્થિવ પટેલે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. પાર્થિવે જણાવ્યું કે તત્કાલીન બોલિંગ કોચ આશિષ નેહરા અને હેડ કોચ ગેરી કર્સ્ટને તેને આગામી સિઝન માટે વિરાટની જગ્યાએ કેપ્ટન બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. વર્ષ 2019 ની સીઝનમાં RCB પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે રહી હતી, જેના કારણે ફ્રેન્ચાઇઝીએ 2020 ની સિઝન પહેલા નેહરા અને કર્સ્ટન બંનેને હોદ્દા પરથી હટાવી દીધા હતા. ત્યારબાદ માઈક હેસન અને સિમોન કૈટીચે ટીમનું સંચાલન સંભાળ્યું હતું.

"મને કેપ્ટન બનવાની ઓફર મળી અને પછી એક પણ મેચ રમવા ન મળ્યો"

પાર્થિવ પટેલે ઈન્ટરવ્યુમાં પોતાનું દર્દ વ્યક્ત કરતા કહ્યું, "મેં ક્યારેય આ અંગે ખુલીને વાત નહોતી કરી, પરંતુ મોઈન અલીએ એક ઈન્ટરવ્યુમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે, 'તૈયાર રહેજો, અમે આવનારી સિઝનમાં તમારી કેપ્ટનશીપ વિશે વિચારી રહ્યા છીએ.' પરંતુ દુર્ભાગ્યવશ, મને ઓફર કરનારા બંને કોચ બદલાઈ ગયા. નવા કોચિંગ સ્ટાફે મને તે આખી સિઝનમાં એક પણ મેચ રમવાની તક ન આપી."

2002 ની સિઝન બાદ પાર્થિવ પટેલે લીધી નિવૃત્તિ

વર્ષ 2020 ની આઈપીએલ સિઝનમાં પાર્થિવ પટેલને બેન્ચ પર જ બેસી રહેવું પડ્યું હતું. ટીમે વિકેટકીપર તરીકે એબી ડી વિલિયર્સ પર પસંદગી ઉતારી હતી, જ્યારે ઓપનર તરીકે દેવદત્ત પડિક્કલને રમવાની તક આપી હતી. આ નિર્ણયો RCB માટે સાચા સાબિત થયા અને ટીમ 2016 પછી પ્રથમ વખત પ્લેઓફ સુધી પહોંચવામાં સફળ રહી. બીજી તરફ, સમગ્ર સિઝનમાં બહાર બેઠા બાદ પાર્થિવ પટેલે 2020 ના અંતમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. વિરાટ કોહલીએ 2020 અને 2021 માં ટીમનું નેતૃત્વ ચાલુ રાખ્યું અને 2021 ની સીઝનના અંતે પોતે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો.