ઓસ્ટ્રેલિયાના 2018ના સેન્ડપેપર કાંડને લઈને ફરી ક્રિકેટ જગતમાં ચર્ચા શરૂ થઈ છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાએ પોતાની આત્મકથા 'સબર'માં દાવો કર્યો છે કે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન બોલ ટેમ્પરિંગની જાણ આખી ટીમને હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ ખ્વાજાના ખુલાસા પર સવાલ ઉઠાવ્યા છે. ચોપરાનું કહેવું છે કે ખ્વાજા પુસ્તક વેચવા માટે આઠ વર્ષ જૂની વાતો બહાર લાવી રહ્યા છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે આ ઘટનાનું સત્ય બહાર આવવું જોઈએ. 

'પુસ્તક વેચવું છે એટલે જૂની વાતો બહાર લાવ્યા'

આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર આ મુદ્દે વાત કરતાં કહ્યું કે ઉસ્માન ખ્વાજાએ આઠ વર્ષ જૂની ફરિયાદો ફરી ઉઠાવી છે. તેમણે સવાલ કર્યો કે જો ખ્વાજાને આ ઘટના અંગે સત્ય બહાર લાવવું જ હતું, તો તેઓ નિવૃત્તિ બાદ વીડિયો બનાવીને કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પણ પોતાની વાત કહી શકતા હતા. ચોપરાએ કહ્યું કે, "ઉસ્માન ખ્વાજાએ પોતાનું પુસ્તક વેચવાનું છે. એટલે તેમણે આઠ વર્ષ જૂની વાતો ફરી બહાર કાઢી છે. કેટલાક લોકો કહેશે કે સત્ય ક્યારેક તો બહાર આવવું જોઈએ. હું પણ માનું છું કે સત્ય બહાર આવવું જોઈએ, પરંતુ આ કામ નિવૃત્તિ બાદ વીડિયો બનાવીને પણ કરી શકાયું હોત." તેમણે વધુમાં કહ્યું કે ખેલાડી જ્યાં સુધી ટીમનો ભાગ હોય ત્યાં સુધી પોતાના સાથી ખેલાડીઓને મુશ્કેલીમાં મૂકવા માગતો નથી. પરંતુ નિવૃત્તિ બાદ પણ આ વાત અલગ રીતે રજૂ કરી શકાતી હતી. 

'માત્ર બે-ત્રણ ખેલાડીઓ જ સામેલ હતા, એ માનવું મુશ્કેલ'

ચોપરાએ 2018ના સેન્ડપેપર કાંડની તપાસ અને તેમાં ખેલાડીઓની ભૂમિકા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે બોલ ટેમ્પરિંગની યોજના માત્ર થોડા ખેલાડીઓ સુધી મર્યાદિત હતી અને બાકીની ટીમને તેની જાણ નહોતી. ચોપરાના મતે, બોલ સાથે ચેડાં કરવાની યોજના સફળ બનાવવા માટે ફાસ્ટ બોલરોની ભૂમિકા પણ મહત્ત્વની હતી. જો બોલની સ્થિતિ બદલવાનો હેતુ જ ઝડપી બોલરોને રિવર્સ સ્વિંગ અપાવવાનો હોય, તો તેમને જાણ ન હોય તે વાત સમજવી મુશ્કેલ છે. તેમણે કહ્યું કે તે સમયે પણ તેમને વિશ્વાસ નહોતો કે માત્ર એક કે બે ખેલાડીઓએ પોતાની રીતે આ કામ કર્યું હશે. હવે ખ્વાજાએ આખી ટીમને જાણ હોવાનો દાવો કર્યો છે, જેનાથી આ જૂનો સવાલ ફરી સામે આવ્યો છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની કાર્યવાહી પર પણ સવાલ

આકાશ ચોપરાએ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની કાર્યવાહી અંગે પણ ટીકા કરી હતી. તેમના મતે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પોતાની કાર્યવાહી કર્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર સામે વધારાનાં પગલાં લીધાં હતાં. આ કાંડ બાદ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકાયો હતો, જ્યારે કેમેરન બેનક્રોફ્ટને નવ મહિનાનો પ્રતિબંધ મળ્યો હતો. સ્મિથ અને વોર્નર પર કેપ્ટનશિપની જવાબદારી સંભાળવા અંગે પણ લાંબા ગાળાના પ્રતિબંધો લાગ્યા હતા. ચોપરાએ કહ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ સમયે પોતાની છબી સ્વચ્છ બતાવવા માટે જરૂર કરતાં વધારે કડક બન્યું હતું. હવે ખ્વાજાના ખુલાસા બાદ તે સમયની તપાસ અને જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા ફરી ચર્ચામાં આવી છે. 

ખ્વાજાએ કહ્યું- પુસ્તક વેચવા માટે ખુલાસો કર્યો નથી

બીજી તરફ, ઉસ્માન ખ્વાજાએ પોતાના ખુલાસા પાછળ પુસ્તક વેચવાનો હેતુ હોવાની વાત નકારી છે. ઓસ્ટ્રેલિયાની એબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 2023માં જ્યારે પુસ્તક માટે કરાર થયો ત્યારે સેન્ડપેપર કાંડ વિશે લખવાની કોઈ ચર્ચા જ નહોતી. ખ્વાજાના જણાવ્યા પ્રમાણે, તેમણે પુસ્તકમાં આ મુદ્દો સામેલ કરવાનો નિર્ણય પોતે લીધો હતો. પ્રકાશકને પણ આ વાત વિશે છ મહિના પહેલાં જ જાણ થઈ હતી. તેમણે કહ્યું કે તેઓ કોઈને નિશાન બનાવવા કે જૂના વિવાદને ફરી ઉછાળવા માગતા નથી, પરંતુ પોતાની વાત સાચી રીતે રજૂ કરવા માગે છે.

આ પણ વાંચો: Australia Cricket: બોલ ટેમ્પરિંગ કાંડમાં કોચિંગ સ્ટાફ પણ સીધો સામેલ હતો? ડેરેન લેહમેન પર પણ તલવાર !