ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચમાં 87 રનની મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારતીય ટીમનો સતત જીતનો સિલસિલો પણ તૂટી ગયો છે. આ મેચ પહેલાં ભારતે ન્યૂઝીલેન્ડમાં રમાયેલી છેલ્લી 10 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી હતી. જોકે, 11મી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત એ છે કે, લગભગ 7 વર્ષ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડમાં T20 આંતરરાષ્ટ્રીય મેચ હારી છે. મેચ બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે હારનું કારણ જણાવતાં પાવરપ્લેમાં થયેલી ભૂલોને જવાબદાર ગણાવી હતી. સાથે જ તેણે છેલ્લી મેચમાં વાપસીનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
બોલિંગમાં અમે થોડા નબળા સાબિત થયા: શ્રેયસ ઐયર
ઓકલેન્ડમાં મળેલી હાર બાદ ભારતીય કેપ્ટન શ્રેયસ ઐયરે બ્રોડકાસ્ટર સાથે વાતચીત દરમિયાન ટીમના પ્રદર્શન અંગે નિરાશા વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું કે શરૂઆતમાં ભારતીય ટીમની બોલિંગ થોડી નબળી રહી હતી. ખાસ કરીને પાવરપ્લેની ત્રીજી ઓવરથી જ ન્યૂઝીલેન્ડે મેચમાં પોતાની પકડ મજબૂત બનાવી લીધી હતી. ભારતીય બોલરોએ દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્લેન ફિલિપ્સની શાનદાર ઇનિંગ સામે તેમની રણનીતિ સફળ રહી નહોતી.શ્રેયસે ફિલિપ્સનાં વખાણ કરતાં કહ્યું હતું કે તેણે કેટલાક શાનદાર શોટ્સ રમ્યા હતા. આખી શ્રેણીમાં તેનું પ્રદર્શન સતત સારું રહ્યું છે અને તેની પાસેથી ઘણું શીખવા મળે છે. ભારતીય કેપ્ટનના મતે ટીમે હવે પાછળ ફરીને પોતાની બોલિંગમાં ક્યાં સુધારો કરવાની જરૂર છે તેનું વિશ્લેષણ કરવું પડશે.
https://x.com/mufaddal_vohra/status/2116126653281959979?a=ADFt_tTNCk_kAj1ggbM&s=20
હવે ફરીથી નવી રણનીતિ બનાવવી પડશે
શ્રેયસ ઐયરે વધુમાં જણાવ્યું હતું કે હવે ભારતીય ટીમ હેમિલ્ટન જવાની છે અને આગામી મેચ પહેલાં માત્ર એક દિવસનો વિરામ છે.આવી સ્થિતિમાં ટીમે ફરીથી નવી રણનીતિ બનાવવી પડશે, જેથી આગામી મેચમાં સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતરી શકાય.તેણે મેદાનની બાઉન્ડ્રી અંગે પણ વાત કરી હતી. શ્રેયસના જણાવ્યા પ્રમાણે, ભારતીય ટીમને મેદાનના કદ વિશે અગાઉથી જાણ હતી, પરંતુ કેટલાક ખેલાડીઓ માટે આ પ્રકારના મેદાન પર રમવાનો અનુભવ નવો હતો.આવી સ્થિતિમાં મેદાનની પરિસ્થિતિ પ્રમાણે પોતાની રમત ગોઠવવામાં થોડો સમય લાગી શકે છે.જોકે, તેણે અગાઉની ત્રણ મેચમાં ખેલાડીઓએ કરેલા પ્રદર્શનની પ્રશંસા પણ કરી હતી અને આગામી મેચમાં સારા દેખાવની આશા વ્યક્ત કરી હતી.
11 મેચ બાદ તૂટ્યો ભારતનો વિજયરથ
ન્યૂઝીલેન્ડ સામેની ચોથી T20માં મળેલી હાર ભારતીય ટીમ માટે અનેક રીતે નિરાશાજનક રહી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટે 259 રન બનાવ્યા હતા.ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 107 રનની તોફાની સદી ફટકારી હતી. જવાબમાં ભારતીય બેટ્સમેનો શરૂઆતથી જ મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 172 રન બનાવી શકી હતી.આ રીતે ન્યૂઝીલેન્ડે 87 રનથી મેચ જીતીને ભારતનો સતત જીતનો સિલસિલો અટકાવ્યો હતો. હવે શ્રેણીની છેલ્લી મેચમાં ભારતીય ટીમ વાપસી કરીને જીત સાથે શ્રેણી પૂરી કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો - Glenn Phillipsએ ભારત સામે રચ્યો ઈતિહાસ, માર્ટિન ગપ્ટિલની...