ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, રિંકુ સિંહ 4 ડિસેમ્બર 2026ના રોજ સમાજવાદી પાર્ટીનાં સાંસદ પ્રિયા સરોજ સાથે લગ્નના બંધનમાં બંધાશે. જૂન 2025માં સગાઈ થયા બાદથી ચાહકો બંનેનાં લગ્નની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ખાસ પ્રસંગ લખનઉમાં યોજાવાનો હોવાનું કહેવાય છે. લગ્ન સમારોહમાં ક્રિકેટ, રાજકારણ અને ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
અલીગઢથી લખનઉ જશે જાન, 50થી 60 ખાસ મહેમાનોને આમંત્રણ
રિંકુ સિંહની જાન ઉત્તર પ્રદેશના અલીગઢથી લખનઉ જશે. પરિવાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્નમાં નજીકના પરિવારજનો, સંબંધીઓ અને બાળપણના ખાસ મિત્રોને જ આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જાનમાં આશરે 50થી 60 મહેમાનો સામેલ થઈ શકે છે.
માતાએ ભાવિ પુત્રવધૂ માટે ખરીદી ખાસ પીળી સાડી
રિંકુ સિંહના ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પરિવારના સભ્યોમાં ખરીદી અને અન્ય તૈયારીઓને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહેવાલ પ્રમાણે, રિંકુની માતાએ ભાવિ પુત્રવધૂ પ્રિયા સરોજ માટે ખાસ પીળા રંગની સાડી ખરીદી છે. આ ખરીદી વખતે રિંકુની મોટી ભાભી અને બહેન નેહા પણ તેમની સાથે હતાં.
લગ્નમાં શાહરુખ ખાનથી લઈને વિરાટ-રોહિત સુધીના મહેમાનો આવશે?
લખનઉમાં યોજાનારા આ લગ્ન સમારોહમાં અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપે તેવી ચર્ચા છે. અહેવાલોમાં મહેમાનોની સંભવિત યાદીમાં બોલિવૂડ અભિનેતા અને કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરુખ ખાન, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, રોહિત શર્મા અને BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જોકે, આ મહેમાનોની હાજરી અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રમાડા હોટેલમાં લગ્ન, અલીગઢમાં ભવ્ય રિસેપ્શન
રિંકુ સિંહ અને પ્રિયા સરોજનાં લગ્ન 4 ડિસેમ્બરે લખનઉની જાણીતી રમાડા હોટેલમાં યોજાવાનાં હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. લગ્નની વિધિઓ પૂર્ણ થયા બાદ અલીગઢમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન થઈ શકે છે.રિસેપ્શન માટે યશ રેસિડેન્સી, પારસ જ્યોતિ અથવા ગોલ્ડન સ્ટોન હોટેલમાંથી કોઈ એક સ્થળ પસંદ કરવામાં આવી શકે છે. જોકે, રિસેપ્શનના સ્થળ અંગે અંતિમ નિર્ણયની સત્તાવાર જાહેરાત બાકી છે.
બે વખત લગ્નની તારીખ પાછળ ઠેલાઈ
રિંકુ સિંહ અને પ્રિયા સરોજની સગાઈ જૂન 2025માં લખનઉની સેન્ટ્રમ હોટેલમાં થઈ હતી. ત્યારબાદ ડિસેમ્બર 2025 અને ફેબ્રુઆરી 2026માં તેમનાં લગ્નની ચર્ચા થઈ હતી, પરંતુ ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમને કારણે લગ્નની તારીખ આગળ ધકેલાઈ હતી.આ દરમિયાન 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિંકુના પિતા ખાનચંદનું અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ કારણોસર પણ લગ્નની તૈયારીઓ અને તારીખમાં ફેરફાર થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.હાલ રિંકુ સિંહ ભારત-A ટીમના ઉપકપ્તાન તરીકે કતાર પ્રવાસે ગયા હોવાની માહિતી આપવામાં આવી છે. પ્રવાસ પૂર્ણ કરીને પરત ફર્યા બાદ તેઓ લગ્નની તૈયારીઓમાં જોડાશે.
આ પણ વાંચો -