ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાઈ રહેલી છેલ્લી ODI મેચમાં ભારતના બે સૌથી અનુભવી બેટ્સમેન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મળીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ બંને એકસાથે 400 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો ઐતિહાસિક આંકડો પાર કરનારી પ્રથમ ભારતીય જોડી બની છે. રોહિત અને વિરાટની જોડી ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર જોડી બની ગઈ હતી. તેણે 391 મેચમાં એકસાથે રમવાના સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.
સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ કુમાર સંગાકારા અને મહેલા જયવર્દનેના નામે
ક્રિકેટ ઈતિહાસમાં એકસાથે સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ શ્રીલંકાના કુમાર સંગાકારા અને મહેલા જયવર્દનેના નામે છે, જેમણે એકસાથે 550 મેચ રમી છે. તેમના પછી તિલકરત્ને દિલશાન અને જયવર્દનેની જોડીનું નામ બીજા નંબર પર છે, બંનેએ એકસાથે 426 મેચ રમી છે. ભારતના રોહિત શર્મા અને વિરાટ કોહલી એકસાથે 400 મેચ રમીને આ યાદીમાં સાતમા ક્રમે આવી ગયા છે. ભારતીય ક્રિકેટના આ બંને મહાન ખેલાડીઓએ તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ એક જ સમયે શરૂ કરી હતી.
રોહિત અને વિરાટે ટેસ્ટ અને ટી-20માંથી નિવૃત્તિ લીધી
રોહિત શર્માએ વર્ષ 2007માં અને વિરાટ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. છેલ્લા 18 વર્ષથી આ બંને ખેલાડીઓ ભારતીય બેટિંગની સૌથી મોટી તાકાત બની રહ્યા છે. આ દરમિયાન ભારતે ત્રણ T20 વર્લ્ડ કપ, એક ODI વર્લ્ડ કપ અને બે ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યા હતા. હવે આ બંને ખેલાડીઓ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે અને માત્ર ODI મેચ જ રમે છે. વિરાટ કોહલી ODI ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. તેના નામે 14867 રન છે. જ્યારે રોહિત શર્મા 11757 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
રોહિતે ઈંગ્લેન્ડ સીરિઝમાં રન બનાવ્યા નથી
ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી સિરીઝમાં રોહિત શર્માનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. પ્રથમ વનડે મેચમાં તે 21 બોલમાં માત્ર 11 રન જ બનાવી શક્યો હતો. બીજી વનડે મેચમાં તેણે 47 બોલમાં 26 રનની ધીમી ઇનિંગ રમી હતી. અત્યાર સુધી તે બે મેચમાં માત્ર 37 રન જ બનાવી શક્યો છે. વિરાટ કોહલીની વાત કરીએ તો તે પણ પ્રથમ વનડેમાં મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. બીજી વનડે મેચમાં તેણે શાનદાર વાપસી કરી અને અડધી સદી (65 રન) ફટકારી. હવે આ બંને બેટ્સમેન લોર્ડ્સમાં રમાઈ રહેલી ત્રીજી વનડેમાં ચોક્કસપણે મોટી ઇનિંગ્સ રમવાનું પસંદ કરશે.
આ પણ વાંચો - Team india ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના, વૈભવ સૂર્યવંશીની તસવીર આવી સામે !