ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટર રોહિત શર્મા ફરી એકવાર પોતાના બેટથી રેકોર્ડ બુકમાં છવાઈ ગયા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહેલી 3 મેચની વનડે શ્રેણીની ત્રીજી મેચ દરમિયાન રોહિતે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ઓપનર તરીકે વનડે ક્રિકેટમાં 10,000 રન પૂરા કરીને સચિન તેંડુલકરનો લાંબા સમયથી રહેલો રેકોર્ડ તોડી નાખ્યો છે.રોહિત શર્મા હવે વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10,000 કે તેથી વધુ રન બનાવનાર દુનિયાના માત્ર ચોથા બેટર બની ગયા છે. આ યાદીમાં સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પહેલેથી જ સામેલ છે.

સચિનનો 22 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

ઓપનર તરીકે સૌથી ઝડપી 10,000 વનડે રન પૂરા કરવાનો રેકોર્ડ અત્યાર સુધી સચિન તેંડુલકરના નામે હતો. સચિને 2004માં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનમાં રમાયેલી મેચ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.હવે રોહિત શર્માએ સચિન કરતાં 12 ઓછી ઇનિંગ્સમાં આ આંકડો પાર કરી લીધો છે. રોહિતે ઓપનર તરીકે 202 ઇનિંગ્સમાં 10,000 વનડે રન પૂરા કર્યા છે.આ સાથે તેમણે ભારતીય ક્રિકેટના મહાન બેટર સચિનનો લગભગ 22 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.રોહિત માટે આ સિદ્ધિ ખાસ છે,કારણ કે સચિન સાથે તેમની સરખામણી ભારતીય ક્રિકેટમાં લાંબા સમયથી થતી રહી છે.હવે ઓપનર તરીકે ઝડપી 10,000 રન બનાવવાના રેકોર્ડમાં રોહિતનું નામ સૌથી આગળ આવી ગયું છે.

https://x.com/ani_digital/status/2106364451373146385?s=20


ઓપનર તરીકે 10,000 રન કરનારા બેટર

વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે 10,000થી વધુ રન બનાવનારા બેટર્સની યાદીમાં કેટલાક દિગ્ગજ નામો સામેલ છે. સચિન તેંડુલકરે ઓપનર તરીકે પોતાના વનડે કરિયરમાં 15,310 રન બનાવ્યા છે. શ્રીલંકાના સનથ જયસૂર્યાએ પણ ઓપનર તરીકે 12,740 રન બનાવ્યા છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલે પણ 10,000થી વધુ રનનો આંકડો પાર કર્યો છે.હવે રોહિત શર્મા પણ આ વિશિષ્ટ યાદીમાં સામેલ થઈ ગયા છે. રોહિતની નજર હવે ઓપનર તરીકે ક્રિસ ગેલ અને ત્યારબાદ સનથ જયસૂર્યાના આંકડા તરફ રહેશે.

વનડેમાં રોહિતના 12,000થી વધુ રન

રોહિત શર્મા પહેલેથી જ વનડે ક્રિકેટમાં 12,000થી વધુ રન બનાવી ચૂક્યા છે. તેમના નામે વનડેમાં 35 સદી અને 35 અડધી સદી નોંધાયેલી છે.વેસ્ટ ઈન્ડિઝ સામેની આ શ્રેણીની અગાઉની મેચમાં પણ રોહિતે શાનદાર સદી ફટકારી હતી. તેમણે માત્ર 75 બોલમાં 101 રનની આક્રમક ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેમના બેટમાંથી 10 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા.રોહિત શર્માની આ શાનદાર ફોર્મ ભારત માટે પણ મહત્વપૂર્ણ છે. 2027નો વનડે વિશ્વ કપ નજીક આવી રહ્યો છે ત્યારે રોહિતની બેટિંગ પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થવાની છે અને તેમાં રોહિતનું નામ જોવા મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - Shubman Gill : '6-7 કેચ છોડશો તો કેવી રીતે જીતીશું?'શરમજનક હાર બાદ ગિલનો પારો સાતમા આસમાને!