ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે શ્રેણીની શરૂઆત ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા માટે નિરાશાજનક રહી છે. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં રોહિત શર્મા પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 6 બોલનો સામનો કર્યો હતો, પરંતુ એક પણ રન બનાવી શક્યો નહોતો. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર કાયલ જેમિસને તેને આઉટ કરીને ભારતીય ટીમને શરૂઆતમાં જ મોટો ઝટકો આપ્યો હતો. ખાસ વાત એ છે કે લગભગ 3 વર્ષ બાદ રોહિત વનડે ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો છે.
6 બોલ રમ્યા છતાં ખાતું ન ખૂલ્યું
ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમને જીતવા માટે 186 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ભારતીય ચાહકોને આશા હતી કે રોહિત શર્મા અને શુભમન ગિલ ટીમને મજબૂત શરૂઆત અપાવશે.જોકે, ન્યૂઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે પ્રથમ ઓવરની જવાબદારી કાયલ જેમિસનને સોંપી હતી. જેમિસને શરૂઆતની 5 બોલ પર રોહિતને એક પણ રન બનાવવા દીધો નહોતો. ત્યારબાદ છઠ્ઠા બોલ પર રોહિતે રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આઉટ થઈ ગયો હતો.આ રીતે 6 બોલનો સામનો કર્યા બાદ પણ રોહિત પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. જોકે, જેમિસને આ ઓવરમાં એક વાઈડ બોલ પણ નાખ્યો હતો. તેથી ભારતના ખાતામાં એક વધારાનો રન આવ્યો હતો, જ્યારે રોહિતની વિકેટ ગુમાવવી પડી હતી.
https://x.com/CricketCentrl/status/2117862160235888986?a=gKu6g6a_4N80Nx5zlsk&s=20
કાયલ જેમિસન સામે રોહિતનો રેકોર્ડ કેવો છે?
કાયલ જેમિસન સામે રોહિત શર્માનો રેકોર્ડ પણ ખાસ સારો રહ્યો નથી. બંને વચ્ચે અત્યાર સુધી 6 ઇનિંગ્સમાં મુકાબલો થયો છે. આ દરમિયાન રોહિતે જેમિસનના 48 બોલનો સામનો કરીને 71 રન બનાવ્યા છે, જ્યારે તે 3 વખત આઉટ થયો છે.પ્રથમ વનડેમાં પણ જેમિસને રોહિતને શરૂઆતથી જ દબાણમાં રાખ્યો હતો. પ્રથમ 5 બોલ પર રન ન બનતાં રોહિત પર દબાણ વધ્યું અને છઠ્ઠા બોલ પર તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
છેલ્લે 2023માં વનડેમાં શૂન્ય પર આઉટ થયો હતો
રોહિત શર્મા આ પહેલાં વર્ષ 2023માં વનડે ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થયો હતો. 8 ઓક્ટોબર 2023ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં રમાયેલી વનડે મેચમાં પણ તે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો.ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં રોહિત શૂન્ય પર આઉટ થયો છે. આમ, લગભગ 3 વર્ષ બાદ તેને વનડેમાં ફરી આવી નિરાશાનો સામનો કરવો પડ્યો છે.જોકે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હજુ 5 મેચની શ્રેણીની બાકીની 4 મેચ રમાવાની છે. તેથી રોહિત પાસે પોતાની ભૂલ સુધારીને જોરદાર વાપસી કરવાની તક રહેશે. હવે જોવાનું રહેશે કે આગામી મેચોમાં હિટમેન કેવું પ્રદર્શન કરે છે.
આ પણ વાંચો - Domestic Cricket : ભારતીય બેટરે રચ્યો ઈતિહાસ, માત્ર 5 ઇનિંગ્સમાં તૂટ્યો 123 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ!