ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વનડેમાં તમામની નજર રોહિત શર્મા પર રહેશે. ઓકલેન્ડમાં રમાયેલી પ્રથમ વનડેમાં રોહિત ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. હવે 7 નવેમ્બરે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રમાનારી બીજી મેચમાં હિટમેન પાસેથી મોટી ઇનિંગ્સની આશા છે. જોકે, આ મેદાન પર રોહિતનો જૂનો રેકોર્ડ ચાહકોની ચિંતા વધારી શકે છે. અહીં તેણે અત્યાર સુધી 2 મર્યાદિત ઓવરની મેચ રમી છે, જેમાં કુલ 5 રન જ બનાવ્યા છે.
વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં રોહિતનો રેકોર્ડ ખરાબ
ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં રોહિત શર્મા માટે મોટી ઇનિંગ્સ રમવી મહત્ત્વપૂર્ણ રહેશે. 2027ના વનડે વર્લ્ડ કપ પહેલાં પોતાની લય જાળવી રાખવા અને ટીમમાં સ્થાન મજબૂત કરવા માટે રોહિત સતત સારા પ્રદર્શનની કોશિશ કરી રહ્યો છે.પરંતુ વેલિંગ્ટનનું સ્કાય સ્ટેડિયમ અત્યાર સુધી તેના માટે ભાગ્યશાળી રહ્યું નથી. અહીં રોહિતે એક વનડે અને એક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.આ બંને મેચમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. વનડેમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે T20 મેચમાં તેના બેટમાંથી માત્ર 1 રન આવ્યો હતો.એટલે કે આ મેદાન પર રમાયેલી 2 મર્યાદિત ઓવરની મેચમાં રોહિતના નામે કુલ 5 રન જ છે.
ઓકલેન્ડમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો
પ્રથમ વનડેમાં પણ રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી આ મેચમાં રોહિત માત્ર 6 બોલનો સામનો કરીને ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો.ભારતીય ટીમે આ મેચ જીતીને સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી હતી, પરંતુ રોહિતનું વહેલું આઉટ થવું ચાહકો માટે નિરાશાજનક રહ્યું હતું.હવે બીજી મેચમાં તેના પર મોટી ઇનિંગ્સ રમવાનું દબાણ રહેશે. ખાસ કરીને ઓપનિંગમાં શુભમન ગિલ સાથે સારી ભાગીદારી કરવી ભારત માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
વરસાદ ફરી રોહિતની મુશ્કેલી વધારશે?
પ્રથમ વનડેની જેમ બીજી મેચમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. વેલિંગ્ટનમાં મેચ દરમિયાન વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં મેદાનની પરિસ્થિતિ અને ભેજનો ફાયદો ઝડપી બોલરોને મળી શકે છે.જો વરસાદને કારણે બોલમાં સ્વિંગ વધશે તો રોહિત માટે શરૂઆતની ઓવરોમાં રમવું પડકારજનક બની શકે છે. ખાસ કરીને નવી બોલ સામે તેણે સાવચેતીપૂર્વક બેટિંગ કરવી પડશે.

હિટમેન પાસેથી મોટી ઇનિંગ્સની આશા
રોહિત શર્મા પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતો છે. એકવાર તે ક્રીઝ પર સેટ થઈ જાય ત્યારબાદ મોટા સ્કોર બનાવવાની ક્ષમતા ધરાવે છે. જોકે, ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં તેની શરૂઆત સારી રહેવી જરૂરી છે.ભારતીય ટીમ સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવવા માગશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડ ઘરઆંગણે વાપસી કરવા પ્રયાસ કરશે. હવે જોવાનું એ રહેશે કે રોહિત વેલિંગ્ટનના જૂના રેકોર્ડને ભૂલીને મોટી ઇનિંગ્સ રમી શકે છે કે નહીં.
આ પણ વાંચો - Hasan Mahmud Record,: બાંગ્લાદેશના બોલરનો ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક જલવો! પાંચમી વખત ખોલ્યું 5 વિકેટનું પંજું